Western Times News

Gujarati News

ગયા એક વર્ષમાં ભારતીય બજાર કરતાં વિશ્વનાં અનેક મુખ્ય બજારોએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે

સેન્સેક્સ અને નિફ્ટી બન્ને લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યા હતા, પરંતુ એક વર્ષની રિટર્નને જોતા મોટા વિરોધાભાસ સામે આવે છે.

મુંબઈ,  તાજેતરના બુલ રન વચ્ચે ભારતીય સ્ટોક માર્કેટનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.  મેક્રોએકોનોમિક સંકેતો મજબૂત હોવા છતાં છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ ફક્ત 8.34 ટકા જ વધ્યો છે — જે ભારતીય બજારને વૈશ્વિક બેન્ચમાર્ક્સની સરખામણીમાં પાછળ મુકે છે. આ સ્થિતિ દર્શાવે છે કે ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં ભારતની અપીલ ઘટી રહી છે.

વિશ્વનાં અનેક મુખ્ય બજારોએ ગયા એક વર્ષમાં ભારતીય બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 60 ટકા જેટલો ઉછળ્યો છે, જ્યારે મેક્સિકોનો IPC ઇન્ડેક્સ 62.29 ટકા વધ્યો છે. એશિયાના અન્ય બજારો પણ ભારતને પાછળ મૂકતા જોવા મળ્યા છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 33.13 ટકા અને જાપાનનો નિક્કી 225 31.53 ટકા વધ્યો છે. સ્પેનનો IBEX-35 40.63 ટકા સુધી ચઢ્યો છે.

યુરોપિયન બજારોમાં લંડનનો FTSE-100 17.29 ટકા, ઈટાલીનો FTSE MIB 29.58 ટકા અને બ્રાઝિલનો બોવેસ્પા 26.58 ટકા વધ્યો છે. આર્થિક પડકારો વચ્ચે પણ ચાઈના 16.90 ટકા વળતર આપીને ભારતને પાછળ મૂકી રહ્યું છે. તુલનાત્મક રીતે ભારત, ઓસ્ટ્રેલિયા અને રશિયાના બજારોનું પ્રદર્શન નબળું રહ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયામાં 2.11 ટકા અને રશિયામાં માત્ર 3.82 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

ભારતીય ઈક્વિટી માર્કેટનું નબળું પ્રદર્શન મોટાભાગે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (FPI) સતત પીછેહઠને કારણે છે. NSDLના આંકડાઓ મુજબ જાન્યુઆરી 2025થી અત્યાર સુધી એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી ₹1.48 લાખ કરોડ જેટલું મૂડી રોકાણ બહાર ખેંચી લીધું છે. મજબૂત આર્થિક પરિબળો, સ્થિર વ્યાજદર અને નિયંત્રિત ફુગાવા છતાં આટલો મોટો આઉટફ્લો ચિંતાજનક માનવામાં આવે છે. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અને રિટેલ રોકાણકારોની મજબૂત ખરીદે બજારને સપોર્ટ આપ્યો છે.

એપ્રિલ 2025માં 71,425ના તળિયા પરથી 27 નવેમ્બર 2025ના રોજ સેન્સેક્સ 86,055ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ 4 ડિસેમ્બરના રોજ તે 85,265 પર બંધ થયો હતો. આ આંકડા દર્શાવે છે કે તેજીની વચ્ચે પણ બજારમાં મક્કમતા અને પારદર્શક વૃદ્ધિનો અભાવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.