૨૦૩૬ના ઓલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદમાં યોજવા માટેના પ્રયાસો અંતિમ તબક્કામાં
અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા-૨૦૩૬માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશેઃ અમિત શાહ
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. તેઓ થલતેજમાં વૃક્ષા રોપણ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતાં. તેમણે થલતેજમાં ૮૬૧ ઈડબલ્યુએસ આવાસનું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજમાં ૮૬૧ ઈડબલ્યુએસ આવાસનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે, ખરેખર મારા માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. અનેક પરિવારને ઘરનું ઘર મળે છે. તમારી બાજુના બંગલાની કિંમત ૨૦ કરોડથી ઓછી નહીં હોય.આ મકાન લોકોના જીવનમાં નવી શરૂઆત કરશે.
અહીં અભ્યાસ, આરોગ્ય અને સામૂહિક મનોરંજનની વ્યવસ્થા કરી છે. વડીલો માટે બેસવા માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોટ્ર્સ કોમ્પલેક્ષનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ખેલો ગુજરાતની શરુઆત કરી હતી.ખેલ સાંસદ મહોત્સવમાં ૧.૫૧ લાખ યુવાનોએ ભાગ લીધો હતો. બ્રિજની નીચે ખેલ સંકુલ અને લાયબ્રેરી બનાવ્યા છે. ૨૦૩૬માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે. આજે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા છે.
ગુજરાત પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના વિકાસ અને ખાસ કરીને રમતગમતના ક્ષેત્રમાં નવા અધ્યાયની શરૂઆત થાય તેવો મોટો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી જાહેરસભામાં તેમણે જાહેરાત કરી કે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાવાની છે, જ્યારે ૨૦૩૬ના ઓલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદમાં યોજાવા માટેના પ્રયાસો અંતિમ તબક્કે છે.
અમિત શાહે જણાવ્યું કે, આગામી વર્ષોમાં અમદાવાદ વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ સ્પોટ્ર્સ હબ બનશે. શહેરમાં અદ્દભુત રમતગમત સુવિધાઓ ઊભી કરવામાં આવશે જેમાં આધુનિક સ્ટેડિયમો, આંતરરાષ્ટ્રીય સ્તરના કોચિંગ સેન્ટરો, રમતવીરો માટે હોસ્ટેલો, મલ્ટી-સ્પોર્ટ ટ્રેનિંગ ફેસિલિટીઝ આ તમામનો સમાવેશ થશે. તેમના જણાવ્યા મુજબ આ સુવિધાઓ કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વિશાળ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં વડાપ્રધાન મોદીની લોકચાહના વધી રહી છે. બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. બિહારમાં એનડીએની સરકાર બની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી.બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે.
