નરેશ પટેલ-જયેશ રાદડિયા વિવાદો ભૂલીને એકબીજાને ગળે મળ્યા
(એજન્સી)રાજકોટ, રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે આજે લેઉવા પટેલોનું અનોખું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ત્યારે આ ક્ષણે સૌરાષ્ટ્રના રાજકારણની મોટી તસવીર જોવા મળી. વિવાદો ભૂલીને બે પાટીદારો એક જોવા મળ્યા.
કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
ત્યારે આ પ્રસંગે એક અનોખું મિલન અને સમાજ માટે સુખદ કહી શકાય તેવો દ્રશ્યો જોવા મળ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક બીજાને ગળે મળ્યા હતા. ઘણા સમયથી પાટીદાર સમાજના બે મોટા નેતા નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહ ચાલી રહી હોઈ તેવી ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ખોડલધામના આંગણે સમાજના બે અગ્રણીઓ એક થયા હોય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ત્યાં હાજર સૌ કોઈએ બંનેના આ સુખદ મિલનને વધાવી લીધો હતો. લોકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આ ક્ષણે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખોડલધામ ખાતે માં સાક્ષાત ઊભા હોઈ તેવું લાગી રહ્યું છે.
