આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધી: પ્રમુખસ્વામીની અદ્વિતીય જીવનગાથાને રજૂ કરતી પ્રસ્તુતિઓના અનોખા સમન્વય ધરાવતો દિલધડક કાર્યક્રમ
BAPSના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો -‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ નો ભવ્ય સમાપન સમારોહ
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સર્જાયો અલૌકિક નજારો: વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ઐતિહાસિક, વૈશ્વિક કાર્યો અને દિવ્ય ગુણોને અપાઈ અદ્ભુત અંજલિ
૭૫ અલંકૃત ફ્લોટસ દ્વારા સાબરમતીમાં સંતમહિમા: પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છવિ સાથે – રામાયણ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, વચનામૃત જેવા ગ્રંથોમાં વર્ણીત સંતલક્ષણો સાથેના ફ્લોટસ બન્યા આકર્ષણનું કેન્દ્ર:
૯ ડિસેમ્બર સુધી અટલ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફ્લોટસ રખાશે -પચાસ હજાર ભક્તોના દ્વારા સમૂહ આરતીના દૈદીપ્યમાન અર્ઘ્ય દરમિયાન સર્જાયા અદ્ભુત દૃશ્યો
“પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી દીધા. આપણાં સનાતન ધર્મની સંતસંસ્થાને પ્રમુખસ્વામી મહારાજે પુનર્જીવિત કરી. સનાતન ધર્મ અને સમાજ માટે સંકટના સમયમાં પ્રમુખસ્વામી મહારાજ માર્ગદર્શક બન્યા. પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય દેશના સૌ સંપ્રદાયો માટે અનુકરણીય છે.” માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ

ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ના મુખ્ય સમારોહનું આજે અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્યતાથી સમાપન થયું હતું. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને ૧૯૫૦માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અથાક સેવા, નમ્રતા, કરુણા અને અન્યોના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ – જાતિ, સંપ્રદાય, રંગ કે પૃષ્ઠભૂમિના કોઈ પણ ભેદભાવ વિના જીવાયેલા તેમના જીવનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સને ૧૯૫૦ માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવા કરવાની અનોખી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓના વૈશ્વિક સેવાકાર્યોમાં પ્રતિબિંબિત થતો સેવાનો આ આદર્શ તેમના ૯૫ વર્ષના સેવામય જીવનની ઓળખ બની રહ્યો હતો.
મુખ્ય કાર્યક્રમ
સ્ટેજની રચના પ્રમુખસ્વામી મહારાજની આ ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે દર્શાવી રહ્યું હતું. એક તરફ આંબળીવાળી પોળનું સુંદર નિર્મિત પ્રતીક હતું – તે પવિત્ર સ્થળ જ્યાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા – અને બીજી તરફ દિલ્લી અક્ષરધામનું વિરાટ સ્વરૂપ ઊભું હતું, જે તેમની દિવ્ય દૃષ્ટિ અને પ્રયાસો થકી ખીલેલા વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થાની આભાનું પ્રતીક હતું. આ કલાત્મક મંચ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના લોકકલ્યાણ અર્થે પુરુષાર્થને પ્રતીકાત્મક રીતે રજૂ કરતું હતું; જેણે અમદાવાદની એક નાનકડી પોળમાં થયેલ એક નમ્ર પ્રારંભ કેવી રીતે વિશ્વવ્યાપી આધ્યાત્મિક આંદોલનમાં વિકસ્યો, તેની ઝાંખી કરાવી હતી.
સાંજે ૫.૪૫ વાગ્યે, ભારત સરકારના માનનીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કાર્યક્રમ સ્થળે આગમન થયું હતું. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ના પરિચયાત્મક વીડિયો સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ બી.એ.પી.એસ.ના યુવકો દ્વારા વિષયવસ્તુ આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું.

પ્રમુખ સ્વામી મહારાજના ગુણો પર વિશિષ્ટ પ્રસ્તુતિઓ
સેવા – નિઃસ્વાર્થ સેવા
આકર્ષક વીડિયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના માનવતાની સેવા માટેના જીવનભરના સમર્પણના શક્તિશાળી પ્રસંગોને પ્રકાશિત કરવામાં આવ્યા. ત્યારબાદ બી.એ.પી.એસ.ના વૈશ્વિક માનવતાવાદી સેવાઓ દર્શાવતો વીડિયો રજૂ થયો. બી.એ.પી.એસ.ના અક્ષરવત્સલદાસ સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક સેવાકાર્યો પર વક્તવ્ય રજૂ થયું હતું.
અહં-શૂન્યતા
સર્જનાત્મક દ્રશ્ય-વાર્તાકથન દ્વારા, પ્રમુખસ્વામી મહારાજના જીવનના હૃદયસ્પર્શી પ્રસંગો દ્વારા અહં શૂન્યતાના ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું. બી.એ.પી.એસ.ના નારાયણમુનિદાસ સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવનના અહં-શૂન્યતાના પ્રસંગોને ઉજાગર કરતું વક્તવ્ય રજૂ થયું હતું.
શ્રદ્ધા – દૃઢ વિશ્વાસ
પ્રભાવશાળી પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જે અચળ શ્રદ્ધાથી કાર્ય કર્યું તે દર્શાવવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ.ના આનંદસ્વરૂપદાસ સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં ભગવાન અને ગુરુઓ પ્રત્યેના દ્રશ્યમાન થતાં તેમના અવિચળ વિશ્વાસના પ્રેરણાદાયી પ્રસંગોને રજૂ કર્યા હતા.

વફાદારી – નિષ્ઠા
વફાદારીના ગુણને વિવિધ કલાત્મક સ્વરૂપો દ્વારા દર્શાવવામાં આવ્યો, ત્યારબાદ બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની તેમના ગુરુઓ અને સિદ્ધાંતો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાના પ્રસંગો રજૂ કર્યા હતા.
મહાનુભાવોના વક્તવ્યો
બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માનનીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેઓના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન બી.એ.પી.એસ.ની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા પ્રમુખવરણી અમૃત મહોત્સવના અર્થ અને ઉદ્દેશ્ય પર પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને પ્રમુખસ્વામી મહારાજના અહંશૂન્ય વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી દિવ્ય જીવનને અંજલિ આપી હતી.
ત્યારબાદ, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપણી સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે – સંત, શાસ્ત્ર અને મંદિર. તેમણે આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. ગુજરાતની ધરતીને તો સ્વામિનારાયણ ભગવાનથી લઈને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સહિતના સંતોનો અલૌકિક લાભ અને આશીર્વાદ મળતા રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજનો વરણી અમૃત મહોત્સવ એ જન-જનનો ઉત્સવ છે.”
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે તેમણે આખી જિંદગી સેવા જ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રત્યેક ક્ષણ અન્યની સેવા માટે સમર્પિત હતી. તેમણે આંબલી વાળી પોળમાં એક વાર પોતે ભૂખ્યા રહીને મને રોટલી જમાડી હતી. તેઓ ખરેખર માનતા કે બીજાના સુખમાં આપણું સુખ છે. તેઓ આપણાં માટે જ જીવ્યા—સૌમાં ગુણ જોયા, દોષોને માફ કર્યા, અને સૌને શ્રેષ્ઠ બનવા પ્રેરિત કર્યા. તેમની નમ્રતા સ્પર્શી જાય તેવી હતી; પ્રમુખ પદે નિયુક્ત થયાના દિવસે પણ તેમણે સેવકભાવે વાસણ ધોયા હતા, તેઓ અહંકારથી મુક્ત હતા અને શ્રદ્ધામાં દૃઢ હતા, તેમણે સૌની સંભાળ લીધી. તેઓ ક્યારેય વિસરાશે નહીં. એમના ગુણો આપણાં જીવનમાં કેળવીએ એ પ્રમુખ વરણી અમૃત મહોત્સવ સાર્થક ઉજવ્યો ગણાશે.”
આરતી અને ભવ્ય આતશબાજી -જ્યારે મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ ૫૦,૦૦૦ હરિભક્તોએ સાથે મળીને આરતી કરીત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું. આ મહોત્સવ દ્વારા સૌને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી નમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવા જેવા અનેક મૂલ્યોને દ્રઢ પણે આત્મસાત કરવાની પ્રેરણા મળી હતી.
ઉત્સવ તૈયારીઓ- પૂજ્ય મહંત સ્વામી મહારાજથી પ્રેરણાથી છેલ્લાં ત્રણ મહિનાથી આ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં ૨૦ જેટલાં સેવાવિભાગોમાં ૭૦૦૦ જેટલાં સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર અમદાવાદમાંથી કુલ ૫૦૦૦૦ જેટલાં હરિભક્તો રિવરફ્રન્ટ પર ટ્રાફિક સંચાલનમાં સરળતા રહે એ માટે બસો દ્વારા ઉત્સવ સ્થળે પધાર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઉત્સવના સફળતાપૂર્વકના આયોજન માટે ટ્રાફિક સંચાલન, સલામતી અને અન્ય બાબતોમાં પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉત્સવને ભારતમાં અને વિદેશમાં લાખો ભક્તો-ભાવિકો દ્વારા live.baps.org અને આસ્થા ભજન ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.
