Western Times News

Gujarati News

થાઈલેન્ડમાં ગર્લફ્રેન્ડની સાથે એન્જોય કરી રહેલા પતિની પૂરને લીધે પોલ ખુલી ગઈ

નવી દિલ્હી, પુરુષોમાં થાઈલેન્ડનું આકર્ષણ ગજબનું છે. કેટલાક પતિઓ થાઈલેન્ડ ફરવા જાય છે પરંતુ પત્નીને કહેતા નથી કે એ કયાં જાય છે. જેમ કે મલેશિયાના એક પુરુષે પોતાની પત્નીને કહ્યું કે, બિઝનેસ મીટિંગ છે ડિયર, ત્રણ-ચાર દિવસમાં પરત આવી જઈશ – આમ કહીને એ થાઈલેન્ડ જવા રવાના થયો. પત્નીને ખબર પણ ન પડી કે તેનો પતિ હકીકતમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે એન્જોય કરવા જઈ રહ્યો છે.

આ દરમિયાન પતિ રોજ પોતાની પત્નીને ફોન પર પ્રેમભરી વાતો કર્યા કરતો હતો. પરંતુ થાઈલેન્ડમાં આવેલા પૂરપ્રકોપને લીધે રંગીનમિજાજના પતિનું રહસ્ય ખુલી ગયું.હકીકતમાં, નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ થાઈલેન્ડમાં ભારે પૂર આવ્યું, જેના કારણે હાટયાઈ આખું ડૂબી ગયું, લાખો લોકો ફસાઈ ગયા અને આ અફરા-તફરીમાં એક મલેશિયાઈ પત્નીએ પોતાના ફસાયેલા પતિને બચાવવા માટે સોશ્યલ મીડિયા પર મદદ માટેની પોસ્ટ કરી દીધી.

કારણ કે મહિલાને લાગ્યું કે તેનો પતિ પોતાના સહકર્મીઓની સાથે હાટયાઈમાં પૂરના કારણે ફસાઈ ગયો છે. ચોથા બાળકની જલદી માતા બનનારી આ મહિલા પોતાના નાના-નાના બાળકોની સાથે આતુરતાથી પતિ ઘરે પરત ફરે તેની રાહ જોઈ રહી હતી. મીડિયા અહેવાલ અનુસાર, ૨૪મી નવેમ્બરે પત્નીએ પોસ્ટમાં પતિને બચાવવા માટે મદદ માંગી, એટલે રેસ્ક્યુ વર્કરે હાટયાઈમાં પોતાના સંબંધીઓને એ હોટલમાં તપાસ કરવા મોકલ્યા, જ્યાં કથિત રીતે મહિલાનો પતિ રોકાયો હતો.

ત્યાં રેસ્ક્યુ વર્કરના સંબંધીઓ તપાસ કરવા પહોંચ્યા તો એ તમામ હેરાન થઈ ગયા, કારણ કે મહિલાનો પતિ કથિત રીતે પોતાની ‘સહકર્મી મહિલા’ની સાથે રુમમાં હતો. આ બંને છેલ્લા ચાર દિવસથી એક જ રુમમાં રહેતા હતા. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

થાઈલેન્ડના રેસ્ક્યુ વર્કરે સ્પષ્ટ કર્યું કે આ ઘટના પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે નહીં, પરંતુ બીજી પત્નીઓને ચેતવણી આપવા માટે સોશિયલ મીડિયા પર શેર કરી છે કે પતિઓ પર આંખ બંધ રાખીને ભરોસો કરવો નહીં. હવે મલેશિયાઈ પત્નીને પોતાના પતિની હકીકતની ખબર પડી ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.