Western Times News

Gujarati News

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો ૮ વિકેટે વિજય

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની સામેની એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ગાબા ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડ બીજા દાવમાં ૨૪૧ રનમાં સમેટાઈ ગયું હતું.

જેના કારણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૬૫ રનનો ટારગેટ મળ્યો, જે ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસની સાંજે બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યા હતો. મિચેલ સ્ટાર્કનો બોલિંગ અને બેટિંગમાં ઓલરાઉન્ડ દેખાવ તથા બીજા દાવમાં નેસેરની પાંચ વિકેટની મદદથી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો આઠ વિકેટથી વિજય થયો હતો. ઈંગ્લેન્ડનો પેસર જોળા આર્ચર ફ્લડ લાઇટ્‌સમાં લગભગ ૧૫૦ કલાક પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી રહ્યો હોવાથી માહોલ ગરમાયો હતો.

સ્ટિવ સ્મિથ બેટિંગમાં હોવાથી પ્રેક્ષકો માટે આ મુકાબલો રોમાંચક રહ્યો હતો. બંને વચ્ચે ચકમક ઝર્યા બાદ સ્મિથે એક ચોગ્ગો ફટકારીને ગાબામાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં બેન સ્ટોક્સે લડાયક ફિફ્ટી ફટકારી હતી પરંતુ તે મજબૂત ટારગેટ આપી શક્યું નહતું. ઈંગ્લેન્ડનો પર્થ ટેસ્ટમાં બે દિવસમાં પરાજય થયો હતો અને ત્યારબાદ ગાબામાં પણ નિરસ દેખાવ રહેતા તેના બેઝબોલ અભિગમ પર વધુ એક વખત ટિકાકારોએ સવાલો ઊભા કર્યા છે.

ઈંગ્લેન્ડ સેમ બીજી ટેસ્ટમાં વિજય બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે કહ્યું કે, આ એક મોટી જીત છે. શ્રેણીમાં ૨-૦ આગળ હોવું ખૂબ સારી બાબત છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ૬૨ રન પર બે વિકેટ હતી અને ડે-નાઇટ ટેસ્ટ મેચમાં જીતવા માટે ફક્ત બે રનની જરૂર હતી, ત્યારે સ્મિથે વિજય છગ્ગો ફટકાર્યાે હતો અને નવ બોલમાં ૨૩ રન બનાવીને નોટઆઉટ રહ્યો. ઓપનર વેધરલ્ડ ૨૩ બોલમાં બે ચોગ્ગા સાથે ૧૭ રન કરીને અણનમ રહ્યો હતો.

ઈંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને શ્રેણીમાં બીજી વાર મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો. પર્થમાં ૧૦ વિકેટ લીધા પછી સ્ટાર્કે બીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સમાં છ વિકેટ લીધી હતી અને ટીમ તરફથી સૌથી વધુ ૭૭ રન બનાવ્યા, જેના કારણે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગ્સમાં ૧૭૭ રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.

સ્ટાર્કે ત્રીજા દિવસે પણ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં બે વિેકેટ ખેરવી હતી, આ સાથે શ્રેણીમાં સ્ટાર્ક ૧૮ વિકેટ સાથે મોખરાનો બોલર છે. અગાઉ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૩૪ રન કર્યા હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાએ લડત આપીને ૫૧૧ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે ચોથા દિવસની રમત આગળના છ વિકેટે ૧૩૪ રનથી આગળ ધપાવી હતી. જો કે તેના માથે હજુ ૪૩ રનનું દેવું હતું. વિલ જેક્સ (૪૧)એ કેપ્ટન સ્ટોક્સ સાથે ૯૬ રનની સાતમી વિકેટન પાર્ટનરશિપ કરી હતી.

ત્યારબાદ ૧૭ રનમાં જ બાકીની ત્રણ વિકેટ ઈંગ્લેન્ડે ગુમાવી દીધી હતી.એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૧૭મી ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં શરૂ થશે, જેમાં ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ જીતીને એશિઝ શ્રેણીને જીવંત રાખવાનો પ્રયાસ કરશે. ચોથી ટેસ્ટ બોક્સિંગ ડે પર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને શ્રેણીની અંતિમ અર્થાત પાંચમી ટેસ્ટ ચોથી જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.