સાવરકુંડલા તાલુકાના લુવારા, જીરા, ગોરડકા, ગામોમાં કુલ ૭૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયત બનશે
(પ્રતિનિધિ) સાવરકુંડલા તાલુકામાં વિકાસની ગતિને વધુ વેગ આપવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ ₹ ૩.૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સાવરકુંડલા તાલુકાના ગામોમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત આજે થઈ છે. ગામના નાગરિકો માટે સારો શાસન, સરળ સેવાઓ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી લુવારા,જીરા ,ગોરડકાગામોમાં નવી ગ્રામ પંચાયત (સચિવાલય) ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું
સીમરણ ગામે દલિતવાસ વિસ્તારમાં સ્લેપ ડ્રેન તેમજ પ્રોટેક્શન વોલ ૬૦ લાખના ખર્ચે બનશે જેથી દલીલવાસ વિસ્તારમાં વર્ષો થી નિકાલની સમસ્યા તથા વરસાદી પાણીના વહેણથી થતી આસપાસની જમીનની કટોકટી જેવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. સ્લેપડ્રેનના નિર્માણથી પાણી નિકાલની સુવ્યવસ્થા મજબૂત બનશે જ્યારે પ્રોટેક્શન વોલથી આસપાસના મકાનો તથા જમીનનું રક્ષણ સુનિશ્ચિત થશે.
જીરા–ચાંદગઢ રોડ પર ૧ કરોડના ખર્ચે નિર્માણ પામતા મહત્વપૂર્ણ બ્રીજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. માર્ગ સુલભતા વધારવા અને વાહનવ્યવહારને વધુ સુરક્ષિત બનાવવા માટે બનતો આ પુલ સમગ્ર વિસ્તારના વતનદારો માટે લાભદાયી સાબિત થશે.
તે ઉપરાંત, સીમરણ પેટા આરોગ્ય કેન્દ્ર પાસે ૬૫ લાખના ખર્ચે બની રહેલા બ્રીજના કામનું પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું. આ બાંધકામ પૂર્ણ થવાથી ગ્રામિણ વિસ્તારોને આરોગ્ય સેવાઓ સુધી વધુ સુગમ પહોંચ મળશે અને મોન્સૂન દરમિયાન થતી અવરજવર સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે.
ધારાસભ્યએ સ્થળ પર હાજર અધિકારીઓને કામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા અંદર પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપતાં લોકોના હિતને કેન્દ્રસ્થાને રાખવાના સંકલ્પની પુનરાવર્તન કરી.
જીરા સ્ટેશન માર્ગ સહિત જીરા ગામ, બોરાળા, ઓળીયા થી નાના ભર્મોદ્રા અને નેસડી થી સાવરકુંડલા વચ્ચે બની રહેલા વિવિધ માર્ગોના ચાલુ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું.આ માર્ગોના નિર્માણ અને સુધારણા કાર્યથી ગ્રામિણ વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ સશક્ત બનશે, મુસાફરીમાં સરળતા વધશે તેમજ કૃષિ અને વ્યાપારિક પરિવહનને નવી ગતિ મળશે.સ્થળ પર હાજર ઇજનેરો અને સંબંધિત અધિકારીઓને ધારાસભ્યએ કામો ગુણવત્તાપૂર્વક તેમજ નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ખાસ સૂચના આપી.
ધારાસભ્ય જણાવ્યું કે સરકારે ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપી છે અને દરેક ગામે સુવિધાસભર સચિવાલય ઉભું કરવાનું ધ્યેય છે, જેથી લોકોના દૈનિક કામકાજ સરળતાથી પૂર્ણ થઈ શકે. નવી ઇમારત બનવાથી ગ્રામ પંચાયતનો કાર્યક્ષેત્ર વધુ મજબૂત બનશે અને ગામના વહીવટી કાર્યોમાં પારદર્શિતા તેમજ ઝડપ આવશે.અનેક ગામોને આવનારા સમયમાં સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તે દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ ગણાય છે.ગામના સર્વાંગી વિકાસ તરફનું આ પગલું સ્થાનિક લોકો માટે આશાસ્પદ સાબિત થશે એવી આશા વ્યક્ત થઈ હતી.
