Western Times News

Gujarati News

ઈન્ડિગોએ અત્યાર સુધી યાત્રીકોને ૮૨૭ કરોડ રૂપિયા રિફંડ કર્યા

ઈન્ડિગો સંકટ વચ્ચે સાતમાં દિવસે ૫૦૦થી વધુ ઉડાનો રદ્દ

(એજન્સી)નવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોની સર્વિસ પણ સોમવારે સામાન્ય થઈ શકી નથી. પરંતુ ઉડાન સંકટ વચ્ચે એરલાઇને જણાવ્યું કે તેણે અત્યાર સુધી યાત્રીકોને રૂ.૮૨૭ કરોડ રૂપિયાનું રિફંડ જારી કરી ચુકી છે, પરંતુ તેમ છતાં સ્થિતિ સંપૂર્ણ રીતે પાટા પર પરત ફરી નથી. દિલ્હી, શ્રીનગર, હૈદરાબાદ, બેંગલુરૂ અને અમદાવાદ સહિત ઘણા એરપોર્ટ પર ૫૦૦થીવધુ ઉડાનો રદ્દ થઈ ચુકી છે.

એક દિવસ પહેલા પણ ઈન્ડિગોએ ૬૫૦ થી વધુ ઉડાનો રદ્દ કરી દીધી છે. પરંતુ કંપનીનો દાવો છે કે તેણે પોતાની કુલ ૨૩૦૦ દૈનિક ઉડાનોમાંથી લગભગ ૧૬૫૦ ઉડાનો સંચાલિત કરી છે. ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે કહ્યુ કે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે અને ૧૦ ડિસેમ્બર સુધી સંચાલન સામાન્ય થવાની આશા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇન્ડિગોના સંકટનું વાસ્તવિક કારણ તેના ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક આયોજન પ્રણાલીમાં ગંભીર સમસ્યાઓ છે. તેમણે સ્વીકાર્યું કે આનાથી મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ હતી. મંત્રીએ ચેતવણી આપી હતી કે, અમે આને હળવાશથી નહીં લઈએ. તપાસ ચાલુ છે, અને અમે કડક પગલાં લઈશું જે અન્ય એરલાઇન્સ માટે ઉદાહરણ બેસાડે.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો સામે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મામલે પહેલાથી જ કાર્યવાહી કરી છે. અરજીની સુનાવણી હવે ૧૦ ડિસેમ્બરે થશે. એક અધિકારીએ જણાવ્યું કે નવી એફડીટીએલ વ્યવસ્થા લાગૂ થવાથી ક્રૂ પ્લાનિંગમાં બફરની કમી ગંભીર સમસ્યા બની ગઈ.

તેમણે દાવો કર્યો- અમારી પાસે પાયલટોની કમી નથી. બસ અન્ય એરલાઇનોની તુલનામાં બફર સ્ટાફ ઓછો હતો. સંસદની પરિવહન, પર્યસન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી સમિતિ જલ્દી ઈન્ડિગો અને ડીજીસીએ અધિકારીઓને સમન્સ પાઠવી શકે છે.

ડીજીસીએએ ઈન્ડિગોના સીઈઓ અને એકાન્ટેબલ મેનેજરને જાહેર કરાયેલી કારણ દર્શાવો નોટિસનો જવાબ આપવા માટે ૨૪ કલાકનો વધુ સમય આપ્યો છે. કંપનીના મેનેજમેન્ટે સમય વધારવાનો ઈનકાર કર્યો હતો, ત્યારબાદ તેને સોમવારે સાંજ સુધી જવાબ આપવાની મંજૂરી આપવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.