અમદાવાદથી ઉપડતી ઈન્ડીગોની 26 ફલાઇટ્સ સોમવારે રદ થઈ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફલાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત
અમદાવાદ, દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો સોમવારે (૮ ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય ઍરપોટ્ર્સ પરથી ઇન્ડિગોની અંદાજિત ૨૬ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ ઍરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. ઍરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ ૪૪ ફ્લાઇટ્સ પર અસર પડી છે. જેમાં સવારના ૯ વાગ્યા સુધીમાં જ ૧૮ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્લાઇટ રદ થતાં ઍરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા.
તો બીજી તરફ રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પણ મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. અહીંથી ઓપરેટ થતી ૮માંથી ૪ મહત્વની ફ્લાઇટ્સ (મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગલુરુ) રદ કરવામાં આવી છે. શુક્રવારથી શરુ થયેલો આ સિલસિલો રવિવાર અને સોમવારે પણ યથાવત્ રહેતાં પ્રવાસીઓ અટવાયા છે.
જો સુરત અને વડોદરાની સ્થિતિ પણ અમદાવાદ અને વડોદરા જેવી જ છે. સુરત ઍરપોર્ટ પરથી કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી જતી ૩ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે પાંચ દિવસના લાંબા વિરામ બાદ સુરતમાં હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું લેન્ડિંગ શરુ થયું છે. વડોદરામાં પણ મુંબઈની કનેક્ટિવિટી તૂટતાં મુસાફરો રઝળી પડ્યા છે.
લગ્નસરા અને વેકેશનના માહોલ વચ્ચે ઇન્ડિગોના મિસ-મેનેજમેન્ટને કારણે અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો લેવી પડી રહી છે અથવા પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે.
ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો રદ થવાનો સિલસિલો આજે સાતમા દિવસે પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઇન્સે વધુ ૫૦૦ ફ્લાઇટો રદ કરી દીધી છે, જેના કારણે આજે પણ મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઇટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઇટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. રવિવારે પણ ઇન્ડિગોની ૬૫૦ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
