કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, ૨૫૦ કરોડની ૧૦૦ એકર જમીન ખુલ્લી કરાઈ
૫૦૦ પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત
(એજન્સી)ભૂજ, કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે. કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ સપાટો બોલાવી દીધો છે.
આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ૪૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને ૫૦૦ જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાયેલા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
૧૦૦ એકર જમીન ખુલ્લી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા જંગી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ૨૦ જેસીબી, ૨૦ હિટાચી મશીન, ૪૦ લોડર અને ૪૦ ડમ્પર તેમજ ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે. કંડલા અને મીઠા પોર્ટની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્વના ગણાતા કંડલા પોર્ટ વિસ્તારમાં થયેલા આ દબાણો સુરક્ષા માટે જોખમરૂપ હોવાથી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
