Western Times News

Gujarati News

અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારમાંથી રૂ.૯.૨૦ લાખની ચોરી

AI Image

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી હાઇવે પર કારનો કાચ તોડીને મોટી ચોરીની ઘટના સામે આવી છે. સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક ફોર વ્હિલર ક્રેટા ગાડીમાંથી ચોરે રોકડ, મોંઘી જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત કુલ રૂપિયા ૯,૨૦,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી.

આ ઘટનાનો ભોગ બનેલા ફરિયાદી મનિષાબેન પટેલ મૂળ દક્ષિણ અમેરિકાના મિસિસિપીના વતની છે અને તેઓ તેમના ભત્રીજાના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ત્યારે માત્ર ૧૫ મિનિટના ટૂંકા ગાળામાં આ ચોરીનો બનાવ બન્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગત ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રિના ૮.૧૫થી ૮.૩૦ વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. ૫૬ વર્ષીય ફરિયાદી મનિષાબેન પટેલ તેમના બહેનપણી હિતેશ્વરીબેન, રાજેન્દ્રભાઈ અને દર્પીબેન સાથે જમ્યા બાદ પેલેડીયમ મોલ ખાતે ખરીદી કરવા ગયા હતા. રાજેન્દ્રભાઈએ તેમની ક્રેટા ગાડીને મોની થાઈ સ્પા સામે SG હાઇવે સર્વિસ રોડની બાજુમાં પાર્ક કરી હતી અને તેઓ પાન ખાવા ગયા હતા.

જ્યારે રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યાની આસપાસ મનિષાબેન અને હિતેશ્વરીબેન મોલમાંથી પાછા ફર્યા અને ગાડીનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદર કાચના ટુકડા પડેલા જોઈ ચોંકી ઉઠ્‌યા હતા. તપાસ કરતાં માલૂમ પડ્‌યું કે ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને પાછળની સીટ પાસે મૂકેલી વિક્ટોરીયા સીક્રેટ કંપનીની કાળા રંગની બેગ ગાયબ હતી. તાત્કાલિક દર્પીબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોરો કિંમતી વસ્તુઓ ભરેલી બેગની ચોરી કરીને ફરાર થયા હતા. બેગમાં ૩,૦૦,૦૦૦ રૂપિયા રોકડા, ડાયમંડની ચેઇન ( અંદાજિત કિંમત રૂ. ૨,૫૦,૦૦૦), બે નંગ ડાયમંડની બુટ્ટી (અંદાજિત કિંમત રૂ. ૧,૦૦,૦૦૦), અને બે નંગ ડાયમંડની રીંગ ( અંદાજિત કિંમત રૂ. ૭૦,૦૦૦) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બે મોંઘા આઇફોન પણ ચોરાયા હતા, જેમાં રૂપિયા ૧,૨૦,૦૦૦ની કિંમતનો આઇફોન ૧૭ પ્રો અને રૂપિયા ૭૦,૦૦૦ની કિંમતનો આઇફોન ૧૬ પ્રો મેક્સ સામેલ છે. છેલ્લે, રૂપિયા ૧૦,૦૦૦ના પ્રાડા કંપનીના ચશ્માની પણ ચોરી થઈ હતી. પોલીસે હવે આ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.