સીનિયર સિટીઝન વેલ્ફેર એક્ટનો દુરુપયોગ ના થઇ શકેઃ હાઇકોર્ટ
મુંબઇ, મેઇન્ટેનન્સ એન્ડ વેલ્ફર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન્સ એક્ટમાં કરવામાં આવેલી જોગવાઇઓ વૃદ્ધ, નબળા અને અશક્ત લોકોના રક્ષણ માટે છે અને કોઇને ઘર ખાલી કરાવવા માટે તે કાયદાનો દુરુપયોગ ના થઇ શકે એમ બોમ્બે હાઇકોર્ટે સોમવારે ૫૩ વર્ષના એક માણસને ઘર ખાલી કરાવવાના આદેશને રદ કરતાં પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું.
ન્યાયમૂર્તિ આર.આઇ ચાગલા અને ફરહાન દુબાસની બેંચે કેસની સુનાવણી દરમ્યાન સ્પષ્ટતા કરી હતી કે સીનિયર સિટીઝન દ્વારા ભરણ-પોષણનો દાવો કર્યા વિના આ કાયદા અંતર્ગત ઘર ખાલી કરવાનો આદેશ કરી શકાય નહીં. આ કાયદો અસલમાં વૃદ્ધ અને અશક્ત લોકોના રક્ષણ માટે છે જેનો ઘર ખાલી કરાવવાના એક સાધન તરીકે ઉપયોગ કરી શકાય નહીં એમ બેંચે ૫૩ વર્ષના એક માણસને ઘર ખાલી કરાવવાના ટ્રિબ્યુનલના ગત ઓક્ટોબરમાં જારી કરાયેલા આદેશને રદ કરતા પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું.
ટ્રિબ્યુનલે અરજદારને હાલ જ્યાં રહે છે તે બંગલો ખાલી કરવાનો અને તેનો કબજો તેના મકાન માલિક એવા તેના ૭૫ વર્ષીય પિતાને સોંપી દેવાનો આદેશ કર્યાે હતો. ૭૫ વર્ષીય સીનિયર સિટીઝન અને નિવૃત્ત આઇએએસ અધિકારીએ પોતાના ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે એવો પોતાના પુત્ર ઉપર આરોપ મૂકતી અરજી ટ્રિબ્યુનલમાં કરી હતી અને ટ્રિબ્યુનલે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને તેના પુત્રએ હાઇકોર્ટમાં પડકાર્યાે હતો.
હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમ્યાન વિશેષ નોંધ કરી હતી કે સીનિયર સિટીઝને તેમની અરજીમાં તેમના પુત્ર દ્વારા માનસિક કે શારીરિક ત્રાસ અપાયો હોવાનો કોઇ આરોપ મૂક્યો નથી. સીનિયર સિટીઝને પોતાની દલીલમાં કહ્યું હતું કે તેમણે પ્રેમ અને લાગણીને વશ થઇ તેના પુત્રને બંગલામાં રહેવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં તેમના પુત્રએ વેપારી હેતુથી તે બંગલાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જો કે સીનિયર સિટીઝનની તમામ દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે તેમના પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.SS1MS
