દ્વારકામાં ૨૦૦૦ રખડતા આખલાના ત્રાસ અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ
અમદાવાદ, દ્વારકામાં આખલાઓના ત્રાસ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, દ્વારકાની શેરીઓમાં બે હજાર રખડું આખલા પર્યટકોને મારે છે, શિગડે ચડાવે છે. આ અરજી દાખલ થયા બાદ હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે જવાબ માગ્યો છે.
આ મામલે આગામી દિવસોમાં સુનાવણી યોજવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વકીલ વિનોદચંદ્ર ઠાકરે એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, દ્વારકામાં જીવલેણ આખલાઓએ ઘણા બધા લોકોના જીવ લીધા છે.
દ્વારકા નગરપાલિકા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આખલાઓને રાખવા માટે ખાસ જગ્યા ફાળવાઈ છે, પણ આખલાઓને ત્યાં રખાતા નથી. આ રખડું આખલા દ્વારકામાં આવતા પર્યટકો માટે ભયરૂપ સાબિત થયા છે. આ કેસમાં દ્વારકા નગરપાલિકા વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, નગરપાલિકા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઈવ કરે છે અને તેઓને ગૌશાળામાં પૂરવામાં આવે છે.
ચેતન એન્ટ્રોરાઈઝને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, અરજદારે કહ્યું હતું કે, આ ફક્ત પેપર વર્ક છે, જમીન ઉપર કામ થતું નથી.આ અરજી સંદર્ભે હાઈકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, અરજદારની અરજીમાં જણાવ્યા મુજબ, ૨ હજાર આખલા દ્વારકાની શેરીઓમાં રખડી રહ્યા છે.
આ એક ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ છે. જ્યાં અનેક લોકો આવતા હોય છે. અરજદારે પોતાની અરજીમાં જુદી જુદી ઘટનાઓ ટાંકી છે. ન્યૂઝ પેપરના કટિંગ મૂક્યા છે. આખલાઓને કારણે લોકોના જીવ ગયા હોય તેવા સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મૂકાયા છે ત્યારે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ૨ અઠવાડિયામાં જવાબ આપે કે આખલાઓનો ત્રાસ દૂર કરવા તેઓએ શું કર્યું ? આ મામલે આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.SS1MS
