નિર્ભયા કેસ : ફાંસીની નવી તારીખો માટે મળેલી મંજુરી
નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને જુદી જુદી ફાંસી આપવાની કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની અરજી ઉપર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે નવા ડેથ વોરંટ જારી કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, તિહાર વહીવટીતંત્ર ફાંસીની નવી તારીખ જારી કરાવવા માટે સેશન કોર્ટમાં અરજી કરી શકે છે.
આની સાથે સાથે કોર્ટે ચારેય દોષિતોને નોટિસ જારી કરીને તેમની જુદી જુદી ફાંસી માટેના મામલામાં ચુકાદો અનામત રાખ્યો છે. આના પર ૧૩મી ફેબ્રુઆરીના દિવસે નવેસરથી સુનાવણી થશે. બીજ બાજુ નિર્ભયાના માતાપિતાએ નવેસરથ ડેથ વોરંટની માંગ સાથે અરજી દાખલ કરી છે. અગાઉની સુનાવણીમાં જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ બોપન્નાની બેંચે દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની તરફેણમાં કેન્દ્ર સરકારની અરજી ઉપર તરત સુનાવણી એમ કહીને ટાળી દીધી હતી કે,
દોષિતોને હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા સાત દિવસની સમય મર્યાદાની અંદર તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવે. બેંચે કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાની દોષિતોને નોટિસ જારી કરવાના અનુરોધને નજરઅંદાજ કરીને આ મામલામાં વધુ વિલંબ થશે તેમ કહ્યું હતું. નિરાશ મહેતાએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં દેશના લોકોની ધીરજની કસોટી થઇ રહી છે. દોષિત મુકેશકુમાર દયા અરજી સહિત તમામ વિકલ્પોનો ઉપયોગ કરી ચુક્યો છે.