સ્વેટર લઈ આપવાનું કહેતા પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થઈઃ પરિણીતાએ કરી આત્મહત્યા
AI Image
સાસરિયાના ત્રાસથી કંટાળી ૧૯ વર્ષીય પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. સાસરી પક્ષના સતત ત્રાસથી કંટાળીને માત્ર ૧૯ વર્ષીય પરિણીતા રીના ઉર્ફે રેણુકા રોતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતકના પરિવારે આ આત્મહત્યા માટે જવાબદાર પતિ રાજેશ પરમાર, સાસુ મંજુબેન અને સસરા બળદેવભાઈ પરમારને જવાબદાર ગણી તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, લગ્નના શરૂઆતના છ મહિના બાદથી જ સાસરિયા દ્વારા પરિણીતાને સંતાન ન થવા અને ઘરકામની નાની બાબતોમાં મેણાં-ટોણાં મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આથી કંટાળીને રીનાએ પોતાના ઘરમાં લોખંડના એંગલ સાથે કપડાથી ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદાકીય તપાસ શરૂ કરી છે.
રીના ઉર્ફે રેણુકાના લગ્ન વર્ષ ૨૦૨૩માં રાજેશભાઈ પરમાર સાથે થયા હતા. સાસરિયાના સભ્યો પતિ, સાસુ અને સસરા દ્વારા સંતાન ન હોવાને મુદ્દે છેલ્લા બે વર્ષથી રીનાને સતત હેરાન કરવામાં આવતી હતી. ત્રાસ એટલો વધી ગયો હતો કે રીના થોડા સમય માટે તેના માતા-પિતાના ઘરે રહેવા ગઈ હતી, પરંતુ ત્યાં પણ આરોપીઓ ઝઘડો કરવા પહોંચી ગયા હતા અને દાગીના પાછા માંગ્યા હતા. ત્યારબાદ રીના અને રાજેશ અલગ રહેવા લાગ્યા, તેમ છતાં ત્રાસ ચાલુ રહ્યો હતો. પતિ રાજેશ ઘર ખર્ચના પૈસા પણ આપતા નહોતા અને સાસુ-સસરા ફોન કરીને માનસિક દબાણ લાવતા હતા.
મૃતક રીનાના ભાઈ હીરાલાલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આત્મહત્યાના દિવસે (૭ ડિસેમ્બર) સવારે લગભગ ૯ વાગ્યે, રીનાએ તેના પતિ રાજેશ પાસે સ્વેટર લેવા માટે પૈસા માંગ્યા હતા. પગાર ન મળ્યો હોવાનું કહી રાજેશે એક અઠવાડિયા પછી સ્વેટર લઈ આપવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજેશ નોકરી પર ગયા બાદ રીનાએ તકનો લાભ લઈને રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
સાંજે જ્યારે રાજેશ ઘરે પરત ફર્યા અને દરવાજો અંદરથી બંધ જોયો, ત્યારે બારીમાંથી જોતા રીના ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. રાજેશે દરવાજો તોડીને રીનાને નીચે ઉતારી હતી, પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે રીનાના મૃતદેહનું પી.એમ. કરાવીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
