ડૉક્ટરને વાતોમાં રાખી બે ઠગ દર્દીઓએ ડ્રોવરમાંથી 5 લાખ ચોર્યા
દર્દી બનીને બે ઠગે ૫ લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોર્યા -બે ઈસમો દર્દી બનીને આવ્યા હતા
(એજન્સી)અમદાવાદ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉ. પ્રવીણના ક્લિનિકમાં એક સનસનાટીભર્યો ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં દર્દી બનીને આવેલા બે ઠગોએ ડૉક્ટરને વાતોમાં ફસાવી ડ્રોવરમાંથી રૂપિયા ૫ લાખની રોકડ રકમ સેરવી લીધી હતી.
ડૉ. પ્રવીણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેÂક્નકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આખરે સીસીટીવી ફૂટેજની મદદથી બે આરોપીઓ રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોરને પકડી પાડવામાં આવ્યા છે, જેઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે અને હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે. પોલીસે ચોરીમાં વપરાયેલી કાર અને રોકડ રકમ પણ કબજે કરી છે, તેમજ આ ગેંગે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યા મુજબ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોર પછીના સમયે આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડોક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે આધેડ ઈસમો દર્દી બનીને આવ્યા હતા.
આ આરોપીઓએ ડોક્ટર પ્રવીણભાઈને વાતોમાં રાખીને તેમાંથી એક ઈસમે ડોક્ટરની પાછળની બાજુની ખુરશી તરફ જઈને તેમના ડ્રોવરમાં મૂકેલા ૫ લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. આ બનાવની જાણ ડોક્ટરને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
ક્લિનિકના કેમેરા ફૂટેજની મદદથી ફેસ આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી કે સીસીટીવી કેમેરામાં દેખાતા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પર ઊભેલા છે. આ બાતમીના આધારે, પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરી છેવટે બંને આરોપીઓ ભાંગી પડ્યા અને તેમણે ડોક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં તેમની નજર ચૂકવીને ૫ લાખ રૂપિયા રોકડાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
અટક કરાયેલા આરોપીઓના નામ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બ્રિજ કિશોર છે, જેઓ સાબરમતી વિસ્તારમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની છે. આ બે આરોપીઓમાંથી એક આરોપી દર્દી તરીકે ડોક્ટર પ્રવીણભાઈના ત્યાં કમરમાં દુખાવો થવાનું બહાનું કાઢીને ડોક્ટરને વાતોમાં રાખી ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી આશરે દોઢ લાખ જેટલા રોકડા રૂપિયા, એક મોબાઈલ અને એક બલેનો ગાડી જપ્ત કરી છે.
બાકીના રોકડા રૂપિયા ક્યાં વાપર્યા અથવા કોને આપેલા છે, તે દિશામાં હાલ તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તપાસ કરાવતા જણાયું કે અત્યારે અન્ય કોઈ પોલીસ સ્ટેશન ખાતે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો નથી. જોકે, પોલીસે તે સિવાય પણ આ બંને ઠગોએ અન્ય કોઈને છેતરીને નાણાં કે દાગીના લીધેલા છે કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.
