Western Times News

Gujarati News

શ્રમિક ભાઈ-બહેનોએ POSH કાયદા અંગે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું

AI Image

વસ્ત્રાપુરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિક ભાઈ-બહેનો માટે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અવર કન્સ્ટ્રક્શન સાઈટ પર કાર્યરત શ્રમિક ભાઈ-બહેનો માટે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી વૃત્તિકા વેગડા અને કાયદાના જાણકાર શ્રી ગૌરવભાઈ ઠક્કર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 (POSH Act) અંગે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શ્રમિક બહેનોને કાર્યસ્થળે સલામત અને માનસભર વાતાવરણ મળી રહે તે માટે કાયદાની મુખ્ય જોગવાઈઓ, ફરિયાદ કરવાની પદ્ધતિ, આંતરિક ફરિયાદ સમિતિની ભૂમિકા અને નિયોજનકની જવાબદારીઓ વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજણ આપી હતી.

કાર્યક્રમ દરમિયાન, ‘સંકલ્પહબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની ટીમ દ્વારા પણ મહિલાઓને તેમના કાનૂની હક્કો, તાત્કાલિક સહાય માટેના હેલ્પલાઇન નંબર અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન શ્રમિક ભાઈ-બહેનોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા અને તેમને સંતોષકારક જવાબો આપીને તેમની મૂંઝવણો દૂર કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આવી જાગૃતિ ફેલાવનાર પ્રવૃત્તિઓ દ્વારા કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, સક્ષમતા અને હિંસાના પ્રતિબંધ અંગે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો હતો.                                 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.