ACBમાં ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓનું અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરનાર નાગરિકોનું સન્માન કરાયું
ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાના 12 વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત થયા
“સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
::મુખ્યમંત્રીશ્રી::
Ø હક્ક બહારનું લેવાય જ નહીં એ આપણી સંસ્કૃતિની વિરાસતના સંસ્કાર છે
Ø જે કાર્ય કરીએ ફરજ બજાવીએ તેનાથી આત્મસંતોષ થાય તે જ સાચી ફરજ નિષ્ઠા
Ø લાંચ–રૂશ્વત વિરોધી બ્યુરો એ.સી.બી.ની છાપ જ એવી હોય કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે, એ.સી.બી.એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે.
આપણે જે કામ કરીએ કે ફરજ બજાવીએ તેમાંથી આત્મસંતોષ થાય તેવી આપણી ફરજ નિષ્ઠા હોય જેથી આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ જ ઉજવવો ન પડે તેવું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન કર્યું હતું.
એટલું જ નહીં, કોઈને કોઈ કામ માટે લાંચ માગનારા ભ્રષ્ટાચારી અધિકારીઓ ખુલ્લા પાડી એ.સી.બી.માં તેમની સામે અવાજ ઉઠાવીને અને ફરિયાદ કરીને તેમને ઝબ્બે કરાવનારા 4 હિંમતવાન નાગરિકોને અને ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનના સતર્કતા સપ્તાહ દરમિયાન યોજાયેલી નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા 12 છાત્રોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપણને આપેલો છે. આપણે દિન પ્રતિદિન વિકાસ કરતા જઈએ છીએ તેની સાથે જ હક્ક બહારનું લેવાય જ નહીં એવી જે આપણી સંસ્કાર વિરાસત છે તેને પણ જાળવી રાખીએ અને આપણા કાર્યમાંથી જ આત્મસંતોષ શોધીએ.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવાય જ નહીં એવી ઝીરો ટોલરન્સની પ્રતિબદ્ધતા સાથે વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રી કાર્યરત છે. આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં અગ્રેસર રહેવું છે અને એ માટે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે એ.સી.બી. કડકાઈથી પેશ આવે તે આવશ્યક છે.
મુખ્યમંત્રીએશ્રી એ.સી.બી.એ ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા કહ્યું કે, એ.સી.બી.ની એવી કડક અને સતર્ક છાપ ઊભી કરીએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં. આના પરિણામે ભ્રષ્ટાચાર અટકશે અને ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
તેમણે ભગવાન શ્રી રામચંદ્રએ રાજમહેલ છોડીને કરેલા વનવાસ અને વાલિયા લુંટારામાંથી વાલ્મિકી થયાના કર્મયોગ ભાવના ઉદાહરણો પણ માર્મિકરીતે સમજાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારરૂપી ઉધઈને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરતી એસીબીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના એટલે કે માત્ર નાના લોકોને જ નહીં, પણ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે.
પાછલા ત્રણ વર્ષમાં, ૩૪ ક્લાસ-વન અને ૯૮ ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે. ચાલુ વર્ષે ૧૯૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ૨૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના મૃદુ અને મક્કમ સ્વભાવનો ઉલ્લેખ કરીને રાજ્યમાં ચાલેલા ઓપરેશન ગંગાજળને ટાંકીને શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આક્રમકતા અને ઝીરો ટોલરન્સની નીતિથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ મક્કમતાથી પગલાં લઈ રહ્યા છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા તેના સાક્ષી છે.
શ્રી સંઘવીએ ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકીને જણાવ્યું કે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ટેકનોક્રેટ છે. આ ટીમ દ્વારા ભ્રષ્ટાચાર સામે આવતી અરજીઓ અને તેની કાર્યવાહી માટે હજુ પણ AI સહિતની વિવિધ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ‘એન્ટી કરપ્શન ડે’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભ્રષ્ટાચાર એ માત્ર ભારતનો પ્રશ્ન નથી પરંતુ તે આતંરરાષ્ટ્રીય પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર એ દેશના વિકાસમાં ખૂબ મોટો અવરોધ બને છે, જેના કારણે ગરીબ નાગરિકોને ખૂબ મુશ્કેલી પડે છે.
મુખ્ય સચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. યુનિટી વિજિલન્સ કરતાં પ્રિવેન્ટીવ વિજિલન્સ વધારે મહત્વપૂર્ણ છે, તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યું હતું, જે સંદર્ભે ગુજરાત સરકારે ખૂબ પગલા લીધા છે. જેમાં સરળ નિયમો, મોટા પ્રમાણમાં રીફોમ્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રેવન્યુના કાયદાઓમાં ફેરફારનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા એ.સી.બીના નિયામક શ્રી પિયુષ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત ગુજરાતની જુદી જુદી શાળાઓમાં ભ્રષ્ટાચાર- દેશના વિકાસને અવરોધક પરિબળ, જાગૃત નાગરિક – વિકસિત દેશ જેવા વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાગૃતતા- પારદર્શિતા અને પ્રમાણિકતા મારી નજરે અને હું એક પ્રમાણિક અધિકારી જેવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા સત્ય નિષ્ઠાના શપથ લેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જનજાગૃતિનાં ભાગરૂપે શેરી નાટકો, મેરોથન દોડ અને એસીબીની હેલ્પ લાઈન ૧૦૬૪નાં પેફ્લેટની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગના આયુક્ત શ્રી સંગીતા સિંઘ, સી.આઇ.ડી ક્રાઈમ એન્ડ રેલવેઝ ડીજીપી ડૉ. કે.એલ.એન.રાવ, NFSU વાઇસ ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસ સહિત એ.સી.બીના અધિકારીઓ-કર્મચારીઓ, જાગૃતતા દાખવીને ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરનાર નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
