Western Times News

Gujarati News

તમન્ના ભાટીયા ‘વી.શાંતારામ’માં એક્ટ્રેસ જયશ્રીનો રોલ કરશે

મુંબઈ, તમન્ના ભાટીયાને સિદ્ધાંત ચતુર્વેદીની આવનારી વી. શાંતારમની બાયોપિકમાં તે વખતની જાણીતી એક્ટ્રેસ જયશ્રીનાં રોલમાં કાસ્ટ કરવામાં આવી છે. ભારતીય સિનેમાનાં પ્રણેતા ગણાતા વી.શાતાંરામના જીવન અને વારસા પર આ ફિલ્મ બની રહી છે.

ફિલ્મની ટીમ દ્વારા તમન્નાનું જયશ્રી તરીકેનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. તમન્ના આ પહેલાં બાહુબલીથી લઈને ડૉ.કોટનિસ કી અમર કહાની, શકુંતલા, ચંદ્ર રાવ મોરે અને દહેજ જેવી ફિલ્મમાં વૈવિધ્યપૂર્ણ રોલ કરી ચુકી છે. જયશ્રી એક એક્ટ્રેસ હોવાની સાથે વી.શાંતારામના બીજા પત્ની પણ હતાં. તેથી તેમની જીવનયાત્રામાં આ પાત્ર પણ ઘણું અગત્યનું છે. પોસ્ટરમાં તમન્ના આછી ગુલાબી નવવારી મરાઠી સાડીમાં દેખાય છે, જેનાથી ભારતીય સિનેમાના ઐતિહાસિક સમયની ઝલક મળે છે. થોડાં વખત પહેલાં આ ફિલ્મની જાહેરાત સાથે સિદ્ધાંત ચતુર્વેદીનો લૂક પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વી. શાંતારામ મુંગી ફિલ્મના ઘણા જાણીતા ફિલ્મ મેકર હતા. તેથી તેમની ફિલ્મની સફર ભારતીય સિનેમાના ઇતિહાસમાં પણ ઘણી મહત્વની ગણાય છે. પોતાનાં રોલ વિશે વાત કરતાં તમન્ના ભાટીયાએ જણાવ્યું હતું, “આપણા સિનેમાના સૌથી મહત્વનાં તબક્કાના એક પાત્રને ભજવવું એ ઘણી મોટી જવાબદારીની વાત છે.

મારા માટે આ ઘણી સન્માનની વાત છે કે હું જયશ્રીના પાત્રને જીવંત બનાવીશ, જેઓ કેટલીક યાદગાર ફિલ્મનો ભાગ રહ્યાં છે, તેમનામાં જે નમણાશ હતી તે એટલી સહજ હતી. શાંતારામે એક એવો વારસો આપ્યો છે, જેણે ઘણી પેઢીઓને આકાર આપ્યો છે અને તેમના વિશ્વમાં પ્રવેશીને આ દંતકથાસમા વ્યક્તિત્વની તેજસ્વિતાને નજીકથી જોવાની તક મળી છે.

એ વારસાને પડદા પર જીવંત કરવો એ ખાસ અનુભવ છે અને હું તેના માટે વી.શાંતારામમાં મને જયશ્રીનો રોલ આપવા માટે મેકર્સની આભારી છું.”વી.શાંતારામનો જન્મ શાંતારામ રાજારામ વાનકુંદ્રે તરીકે ૧૯૦૧માં થયો હતો અને તેઓ ભારતીય સિનેમાના પ્રણેતા કહેવાય છે, જેમણે સિનેમાને ૭૦ વર્ષ આપ્યા હતા.

તેમણે બે મોટા ફિલ્મ સ્ટુડિયો પ્રભાત સ્ટુડિયો કંપની ૧૯૨૯માં અને ૧૯૪૨માં રાજકમલ કલામંદીરની સ્થાપના કરી હતી. તેમણે મરાઠી ભાષામાં ટોકી ‘અયોધ્યાચા રાજા’, ઉપરાંત હિન્દીમાં ‘દુનિયા ના માને’, ‘દો આંખે બારા હાથ’, ‘જનક જનક પાયલ બાજે’ અને ‘નવરંગ’ જેવી ફિલ્મ બનાવી હતી.

તેમણે એ જમાનામાં સામાજિક એકતા, દહેજ, કેદી જેલ સુધારણા જેવા વિષયો પર ફિલ્મ બનાવી હતી. તેઓ વૈભવી સેટ અને અલગ પ્રકારના ગીતો બનાવવા માટે જાણીતા હતા. તેમણે સિનેમાનો સામાજિક પરિવર્તન માટે ઉપયોગ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.