અમરેલીના વરૂડીમાં પુત્રના અવસાન બાદ પુત્રવધૂના લગ્ન કરાવી સાસરે વળાવાઈ
અમરેલી, અમરેલી તાલુકાના વરૂડી ગામે પૂર્વ ધારાસભ્ય સ્વ. મગનભાઈ રાણવાના નાના પુત્ર વિજયનું ર૦ર૩માં એટેકથી અવસાન થયું. મોટા પુત્રો શાંતિલાલ, જીતુભાઈ બે વર્ષથી પોતાના નાનાભાઈના પત્ની ફકત ર૭ વર્ષે જ વિધવા થતાં સતત મુશ્કેલી વચ્ચે તે બેન સેજલને પોતાની દીકરી બનાવીને ડેરી પીપરીયા ગામે એક સારૂં ઠેકાણું, પસંદ કરીને નોકરી,
ખેતીવાડી કરતા વિપુલભાઈ ભનુભાઈ ચાવડા સાથે તા.૭/૧રના રોજ શાંતિલાલ રાણવાના આંગણામાં માંડવો નાંખીને બૌદ્ધ વિધિથી પુનઃલગ્ન કરીને અનુ.જાતિ સમાજમાં આખા ગુજરાત ભરમાં પ્રથમ દાખલો બેસાડીને સમાજને નવી રાહ ચીંધી છે.
શાંતિભાઈ તથા તેમના પત્ની લીલાબેન, જીતુભાઈ અને ગીતાબેને કન્યાદાન કર્યું હતું. મંડપમાં બહુજન મહાનુભાવો રામાસ્વામી પેરીયાર, જયોતિબા ફુલે, સાવિત્રીબા ફુલે, રમાબાઈ, આંબેડકર, ડો. બાબાસાહેબ આંબેડકર, સંત કબીર, ફાતિમા શેખ, કાશીરામજીના બેનરો સાથે તથા ભગવાન બુદ્ધના સાંનિધ્યમાં તથા સ્વ. ધારાસભ્ય મગનભાઈ રાણવા, સ્વ. હરિભાઈ રાણવાના તૈલચિત્રો વચ્ચે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
બૌદ્ધ ઉપાસક જાણીતા દલિત આગેવાન, સાહિત્યકાર પત્રકાર એવા ગોવિંદભાઈ ધાધલ દ્વારા બૌદ્ધવિધિથી લગ્નવિધિ કરવામાં આવી હતી. જિલ્લાના પૂર્વ સાંસદ, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વિરજીભાઈ ઠુંમર, નરેશભાઈ અધ્યારૂ, એડવોકેટ રફીકભાઈ મોગલ, ભરતભાઈ ચૌહાણ, નારણભાઈ પાતળીયા, વિજયેન્દ્ર બોરીચાએ વર્તમાન સમયમાં અંધશ્રદ્ધા દૂર કરીને શિક્ષણનો વ્યાપ વધે તેમજ સમાજમાં આવા ક્રાંતિકારી પગલા લઈ દરેકને જીવવાનો સમાન હક્ક આપવા પ્રયત્નશીલ રહેવા હાંકલ કરી હતી.
નવવધૂ સેજલબેન સાથે તેમના ૯ વર્ષના પુત્ર વંશને પણ સાથે જ મોકલાયો છે સામે લોકોએ સ્વીકારીને તમામ જવાબદારી ઉપાડવાની ખાત્રી આપી છે. લગ્નવિધિના અંતમાં ભગવાન બુદ્ધની વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા વરરાજા વિપુલભાઈએ લીધી હતી. ભીમવંદના સાથે પ્રવિણભાઈ ગોહિલે આભારવિધિ કરી હતી.
