તાલાલાના ધારાસભ્યે વૃદ્ધાના જર્જરિત મકાનનું સ્વખર્ચે રિનોવેશન કર્યું
પ્રતિકાત્મક
મકાન તૈયાર થઈ જતાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ રાણીબેનનો ગૃહપ્રવેશ કરાવ્યો
તાલાલા ગીર, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ઘુંસિયા ગીર ગામના દલિત વૃદ્ધા રાણીબેન મકવાણાનું જર્જરિત મકાન પોતાના સ્વખર્ચે નવેસરથી રિનોવેશન કરાવી આપતા વૃદ્ધા આનંદવિભોર થઈ ગયા હતા.
ધારાસભ્ય ભગવાનભાઈએ તેમના જન્મદિવસ ૧ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાડકવાયી દીકરી અભિયાનને વેગ આપવા માટે અકે પહેલ કરી હતી જે પ્રમાણે તાલાલા વિધાનસભા મતવિસ્તારના તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં ૧ નવેમ્બરે જન્મેલી દીકરીઓને શુકનભેટ આપી લક્ષ્મીજીના વધામણાં કર્યા હતા. આ અભિયાન અંતર્ગત ૧ નવેમ્બરે તેમના મતવિસ્તારમાં જન્મેલી ૧૦ દીકરીઓના ઘરે રૂબરૂ જઈ બાળકોની કિટ અને ૧૦૦ ગ્રામ ચાંદીની ભેટ વધામણાં કર્યાં હતાં.
તાલાલા તાલુકાના ઘુંસિયા ગીર ગામમાં રાણીબેન મકવાણાના પૌત્ર પીયુષભાઈના ઘરે દીકરીના જન્મનાં વધામણા કરવા પહોંચ્યા હતા ત્યાં રાણીબેનનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. તેમની સ્થિતિ દયનીય હતી.
આ જોઈ ધારાસભ્યએ માનવતાના ધોરણે મદદ કરવાનો સંકલ્પ કર્યો અને રાણીબેનના મકાનનું ગામના પૂર્વ સરપંચ જીવાભાઈ રામ મારફત રિનોવેશન કરાવી આપ્યું હતું. વીસ વર્ષથી જર્જરિત મકાનમાં રહેતા રાણીબેનનું મકાન સવા લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન થઈ જતાં મકાનની રીબીન કપાવી રાણીબેનને ધારાસભ્યએ ગૃહપ્રવેશ કરાવ્યો ત્યારે વૃદ્ધાની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી.
