Western Times News

Gujarati News

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ઉદ્યોગ વિભાગે ફાઈલોના નિકાલની ગતિ બમણી કરી: હર્ષ સંઘવી

GCCI ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન મીટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાતના ઉદ્યોગપતિઓને ‘વિકસિત ગુજરાત@2047’ના વિઝનમાં ખભેખભો મિલાવીને યોગદાન આપવા આહ્વાન

Ahmedabad, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા  GCCI પરિસર, અમદાવાદ ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગ જગત સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સંઘવીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટેના રોડમેપ, આગામી નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business) માં થયેલા નોંધપાત્ર સુધારાઓ રજૂ કર્યા, અને ઉદ્યોગપતિઓને ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના વિઝનમાં ખભેખભો મિલાવીને યોગદાન આપવા આહ્વાન કર્યું.

આ સત્રમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઉદ્યોગ જગતે ગુજરાતને ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ દેશમાં નંબર વન રાજ્ય બનાવ્યું છે. તેમણે કહ્યું કે, “તમે ગુજરાત અને ભારતના કરોડો લોકોને રોજગારી પૂરી પાડો છો, દેશના આર્થિક વિકાસમાં અને GDP વૃદ્ધિમાં માતબર યોગદાન આપો છો.”

તેમણે ખાતરી આપી કે સરકાર તમારી પડખે ઊભી છે, અને ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિને કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકર વગર આગળ લઈ જવાનું કામ આપણે ખભેખભો મિલાવીને કરવાનું છે.

શ્રી સંઘવીએ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માં થયેલા નોંધપાત્ર સુધારાઓની માહિતી આપતાં જણાવ્યું કે, ઉદ્યોગ વિભાગમાં હવે ફાઈલોનો નિકાલ ખૂબ જ ઝડપી કરી દેવામાં આવ્યો છે. પહેલાં દરરોજ ૨૩૦ ફાઈલ પ્રોસેસ કરવામાં આવતી હતી, હવે ૪૮૦ ફાઈલોનો નિકાલ દરરોજ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, “અમારું લક્ષ્ય છે કે દરરોજ નિકાલ થતી ફાઇલોની સંખ્યા ૭૦૦ સુધી લઈ જવી છે.” શ્રી સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે કોઈ મૂડી રોકાણકાર (ઇન્વેસ્ટર) મોટી રકમ ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે રોકતો હોય, ત્યારે સમયની ખૂબ જ કિંમત હોય છે. આવા સમયે, સરકારે સમયસર અરજીઓ અને ફાઈલોનો નિકાલ કરીને ઉદ્યોગકારો અને મૂડી રોકાણકારોને Ease of Doing Business નો ખરો અનુભવ કરાવવો એ ફરજ છે.

વિકસિત ગુજરાતના વિઝન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે, અને રાજ્યના અર્થતંત્રને ૨૦૪૭ સુધીમાં $૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય છે.

તેમણે ઉમેર્યું કે, આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતાં ક્ષેત્રો અને ગ્રીન ગ્રોથ પર ખાસ ફોકસ કરી રહી છે.  તેમણે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોનો ઉલ્લેખ કર્યો, જે ગ્રાસરૂટ સ્તરે રોકાણ અને સહયોગની સંભાવનાઓને અનલોક કરવામાં મદદ કરશે.

આ સત્રમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ શ્રી સંદીપ એન્જિનિયર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી સહિતના GCCIના પદાધિકારીઓ તેમજ ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ઉધોગપતિઓ તથા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.