વિશાખાપટ્ટણમ ખાતે યોજાયેલ 63મી નેશનલ સ્કેટિંગ સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન
ગુજરાતની ટીમે કુલ 7 ચંદ્રકો મેળવ્યા છે અને આવું પ્રથમવાર જ બન્યું છે કે એક જ ઇવેન્ટમાં બે છોકરીઓએ અલગ અલગ કેટેગરીમાં ગુજરાત માટે મેડલ જીત્યા છે.
અમદાવાદ, વિશાખાપટ્ટણમ ખાતે 5 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાયેલ 63મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની સ્કેટિંગ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં મેડલો જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતના યુવા અને પ્રતિભાશાળી બાળસ્કેટરોએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન અભૂતપૂર્વ કુશળતા અને સ્પોર્ટ્સમેનશીપનું પ્રદર્શન કર્યું હતું. તેમની આ સિદ્ધિઓ રાજ્યમાં સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો અને કોચ, વાલીઓ તથા રમતગમત સંસ્થાઓ દ્વારા મળતા મજબૂત સહકારનો પુરાવો છે.
ફિગર સ્કેટિંગ ગર્લ્સ 06 થી 08 વર્ષ કેટેગરીમાં મિશિકા મોદી એ સુવર્ણ ચંદ્રક જીત્યો અને આન્યા ટેકવાણીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ફિગર સ્કેટિંગ ગર્લ્સ 08 થી 10 વર્ષ કેટેગરીમાં આરના પટેલે સુવર્ણ ચંદ્રક જીત્યો અને આરોહી ટેકવાણીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ફિગર સ્કેટિંગ 10 થી 12 વર્ષ કેટેગરીમાં માનવી શાહ એ કાંસ્ય ચંદ્રક મેળવ્યો.
સોલો ડાન્સ ગર્લ્સ 06 થી 08 વર્ષ કેટેગરીમાં આન્યા ટેકવાણીએ રજત ચંદ્રક જીત્યો અને મિશિકા મોદી એ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ગુજરાતની ટીમે કુલ 7 ચંદ્રકો મેળવ્યા છે અને આવું પ્રથમવાર જ બન્યું છે કે એક જ ઇવેન્ટમાં બે બહેનોએ અલગ અલગ કેટેગરીમાં ગુજરાત માટે મેડલ જીત્યા છે.
આ યુવા ખેલાડીઓના મેડલ માત્ર તેમની મહેનત અને સમર્પણનું પ્રતિબિંબ જ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ છે. આ ઉપલબ્ધી અનેક નવા ઊભરતા ખેલાડીઓને સ્કેટિંગ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરશે.
