હૃતિક રોશને પહેલા ‘ધુરંધર’ પર ઉઠાવ્યા સવાલ, પછી ભરપેટ વખાણ કર્યા
મુંબઈ, રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’એ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. ધુરંધરને દર્શકો તેમજ બોલિવૂડના કલાકારો તરફથી આદિત્ય ધર, સંજય દત્ત, રણવીર સિંહ અને અક્ષય ખન્નાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી રહી છે.
જોકે, આ બધા વખાણ વચ્ચે એક્ટર હૃતિક રોશનની પ્રતિક્રિયા ખાસ ચર્ચાનું કેન્દ્ર બની છે. હૃતિકને આ ફિલ્મ અત્યંત પસંદ આવી હોવા છતાં, તેણે ફિલ્મના એક ખાસ પાસાં પર સવાલ ઉઠાવ્યો છે, જેના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. હૃતિક રોશન, જે પોતે ઘણી એક્શન ફિલ્મો કરી ચૂક્યો છે અને એક્શનને સારી રીતે સમજે છે, તેણે ‘ધુરંધર’ના ભરપેટ વખાણ કર્યા છે. જોકે, તેણે ફિલ્મના રાજકીય પાસાં પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર ‘ધુરંધર’ની સ્ટોરી શેર કરતાં હૃતિક રોશને લાંબો મેસેજ લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘મને સિનેમા ગમે છે, મને એવા લોકો ગમે છે જે કોઈ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને સ્ટોરીને કંટ્રોલ કરે છે. જ્યાં સુધી તેઓ જે ઇચ્છે છે તે સ્ક્રીન પર ન આવે ત્યાં સુધી તેને ફેરવે છે અને સ્ટોરી આગળ ચલાવે છે. ‘ધુરંધર’ તેનું એક ઉદાહરણ છે. વાર્તા કહેવાની રીત ગમી. આ જ સિનેમા છે.’પરંતુ જે બાબત પર સવાલ ઊભા કર્યા, તે ફિલ્મના રાજકારણ વિશે હતી.
આ બાબતે હૃતિકે લખ્યું કે, ‘હું ફિલ્મની રાજનીતિ સાથે સહમત થઈ શકતો નથી અને આ વાત પર ચર્ચા કરી શકું છું કે દુનિયાના નાગરિક હોવાને નાતે ફિલ્મમેકર્સને શું જવાબદારીઓ ઉઠાવવી જોઈએ. તેમ છતાં, હું આ વાતને નજરઅંદાજ કરી શકતો નથી કે સિનેમાના એક વિદ્યાર્થી તરીકે મને આ ફિલ્મ કેટલી પસંદ આવી અને મેં તેમાંથી શું શીખ્યું છે.’
હૃતિક રોશનની આ પોસ્ટ ચર્ચામાં આવ્યા બાદ ‘ઠ’ પર એક નવી પોસ્ટ પણ શેર કરી, જેમાં તેણે ફિલ્મની કલાકાર ટીમની દિલ ખોલીને પ્રશંસા કરતા લખ્યું કે, ‘ધુરંધર હજી પણ મારા મગજમાંથી નીકળી નથી રહી. આદિત્ય ધર, તમે એક જબરદસ્ત મેકર છો યાર. રણવીર સિંહ, શાંતથી લઈને આક્રમક સુધી, શું સફર રહી! અક્ષય ખન્ના હંમેશા મારા મનપસંદ રહ્યા છે અને આ ફિલ્મ તેનું પ્રમાણ છે.
આર. માધવન ખૂબ જ શાનદાર ગ્રેસ, તાકાત અને ગરિમા!! પણ યાર રાકેશ બેદી તમે જે કર્યું તે જબરદસ્ત હતું. શું એક્ટ હતુ, શાનદાર!! બધા માટે ખૂબ-ખૂબ તાળીઓ, ખાસ કરીને મેકઅપ અને પ્રોસ્થેટિક્સ વિભાગ માટે! હું પાર્ટ ૨ની રાહ જોઈ શકતો નથી!’રણવીર સિંહની આ ફિલ્મ ચારેય તરફ ચર્ચામાં છે. ૨૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૬ દિવસમાં વર્લ્ડવાઈડ ૨૬૫.૨૫ કરોડની કમાણી કરી લીધી છે, જ્યારે ભારતમાં તેનો આંકડો ૧૭૯.૭૫ કરોડ થયો છે.SS1MS
