ન્યૂઝીલેન્ડનો બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નવ વિકેટે વિજય
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં નવ વિકેટે વિજય મેળવ્યો છે અને આ સાથે જ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ પ્રાપ્ત કરી છે. કિવિ બોલર જેકોબ ડફીએ પાંચ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્સન કરતા પ્રવાસી કેરેબિયન ટીમ બીજા દાવમાં ૧૨૮માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડને ૫૬ રનનો આસાન ટારગેટ મળ્યો હતો જે ૧૦ ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડે ટેસ્ટના ત્રીજા દિવસે જ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી. અગાઉ પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, હવે સિરિઝીની ત્રીજી ટેસ્ટ ૧૮ ડિસેમ્બરથી માઉન્ટ મોંગનુઈ ખાતે રમાશે. જેકોબ ડફીએ ટેસ્ટ સિરીઝમાં બીજી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવ નવ વિકેટે ૨૭૮ પર ડિક્લર કર્યાે હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ૧૨૮માં ઓલઆઉટ કરીને આસાનીથી નવ વિકેટે વિજય મેળવ્યો હતો.
કિવિઝે ત્રીજા દિવસે બેટિંગ કરતા એકમાત્ર ટોમ લાથમ (૯)ની વિકેટ ગુમાવી હતી. ડેવોન કોન્વે ૨૮ રન કરીને તથા કેન વિલિયમ્સન ૧૬ રને નોટ આઉટ રહ્યા હતા. કેરેબિયન બોલર એન્ડરસન ફિલિપે એક વિકેટ ખેરવી હતી. ન્યૂઝીલેન્ડનો બોલર જેકોબ ડફી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલનો પ્રારંભ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ભારતીય ટીમ છઠ્ઠા ક્રમે સરકી હતી. અગાઉ ઘરઆંગણે દક્ષિણ આળિકા સામેની બે ટેસ્ટની સિરીઝમાં પરાજય થતા ભારત પાંચમાં ક્રમે ધકેલાયું હતું. પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન ટોપ ફાઈવ ટેસ્ટ ટીમો છે.SS1MS
