કલોલમાં માથાભારે શખ્સની જન્મ દિવસની પાર્ટી વખતે જ ઘાતકી હત્યા
ગાંધીનગર, કલોલમાં માથાભારે શખ્સની જન્મ દિવસની પાર્ટી વખતે જ તેની ઘાતકી હત્યાના બનાવે સનસનાટી મચાવી છે. જૂના ઝઘડાની અદાવતમાં તલવાર, લોખંડની પાઇપો અને ધોકા ફટકારી માથાભારે શખ્સનું અત્યંત ક્›ર રીતે મોત નીપજાવનારા ૫ આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ખેંગાર પરમારના પુત્ર ચેતને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ વિગતો એવી છે કે ખેંગાર પરમાર અને આરોપી નવીન ઉર્ફે ભાયો અમરતભાઈ સોલંકી વચ્ચે ગત તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લગ્ન પ્રસંગના જમણવાર વખતે રસ્તો બંધ કરવાના મુદ્દે ઝઘડો થયો હતો.
ત્યારે તેઓ સામસામે આવી ગયા હતાં. તે જૂના ઝઘડાની અદાવતનો ખાર રાખીને ગઇ કાલે શનિવારની રાત્રે ખેંગારનો જન્મદિવસ હોવાથી જે.પી.ની લાટી પાસે અંડરબ્રીજના સર્વિસ રોડની ફૂટપાથ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોપીઓ નવીન ઉર્ફે ભાયો અમરતભાઈ સોલંકી, નયન ઉર્ફે જઠાભાઈ પસાભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકી (તમામ રહે. કલોલ) એકસંપ થઇ ઘાતક હથિયારો તલવાર, લોખંડની પાઈપ અને ધોકો રિક્ષામાં બેસીને ધસી આવ્યા હતા.
ચેતને ફરિયાદમાં લખાવ્યા મુજબ તેના પિતા ખેંગાર પરમારને રિક્ષાની ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ હથિયરો લઇ તેની ઉપર તૂટી પડ્યા હતાં અને આડેધડ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતાં. ઇજાગ્રસ્ત ખેંગારને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં લઇ જવાયચો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર જણાતા તેને ચાંદલોડિયા વિસ્તારની સત્યમેવ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો.
કલોલમાં જન્મદિવસની પાર્ટીમાં હત્યાનો ભોગ બનનાર ખેંગાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેના ઉપર અગાઉ અનેક ગુના દાખલ થયેલા હતા. હત્યાના પાંચ માસ અગાઉ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તેને તડીપાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભૂતકાળમાં તેણે કલોલ રેલવે સ્ટેશન પર પણ મારામારી કરી હોવાની ઘટનાઓ નોંધાયેલી છે.SS1MS
