ભાવનગરની સુમિટોમો કંપનીના 350 કર્મચારીઓની પગાર વધારા મુદ્દે એક મહિનાથી હડતાળ પર
કંપની જોખમી રસાયણો સાથે ત્રણ અલગ-અલગ શિફ્ટમાં કામ કરાવે છે, જ્યાં જીવનું જોખમ રહેલું છે અને ગંભીર બીમારીઓ પણ થતી હોય છે.
ભાવનગર, ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલી જાણીતી સુમિટોમો (એક્સેલ) કંપનીના લગભગ 350 કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી હડતાળ પર ઉતર્યા છે. આજે આ લડતના 30 દિવસ પૂર્ણ થતાં કર્મચારીઓએ કંપનીની બહાર એકઠા થઈ કાળી પટ્ટી/રીબીન બાંધીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને કંપની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી કાર્યરત અને હાલ જાપાનની મલ્ટીનેશનલ કંપની દ્વારા સંચાલિત આ ફેક્ટરીમાં જંતુનાશક દવાઓનું ઉત્પાદન થાય છે. અહીં લેબર અને સુપરવિઝન વિભાગના 350 કર્મચારીઓ કામ કરે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે નિયમ મુજબ દર વર્ષે પગાર વધારો આપવામાં આવે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી કંપની દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો નથી.
એક મહિનાથી અહિંસક લડત:
પગાર વધારાની માંગણી સાથે, છેલ્લા એક મહિનાથી કર્મચારીઓ ફરજ પર કાળી રીબીન ધારણ કરીને ઉપવાસ આંદોલન સાથે ફરજ બજાવી રહ્યા હતા. એક મહિનો પૂર્ણ થતા, તેમણે કંપની બહાર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું.
હક માટે લડત, ભિક્ષા નહીં: લેબર યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કંપની જોખમી રસાયણો સાથે ત્રણ અલગ-અલગ શિફ્ટમાં કામ કરાવે છે, જ્યાં જીવનું જોખમ રહેલું છે અને ગંભીર બીમારીઓ પણ થતી હોય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “પગાર વધારો એ કર્મચારીઓનો હક છે, અમે કંપની પાસે કોઈ ભિક્ષા નથી માંગતા.”
કંપની વારંવાર બહાના બતાવી પગાર વધારો ટાળી રહી હોવાથી આંદોલનની ફરજ પડી છે. યુનિયને ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ અહિંસક, ગાંધીચીંધ્યા માર્ગે લડત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં કલેક્ટર સહિતના જવાબદાર તંત્રને કાયદાકીય જોગવાઈ મુજબ રજૂઆતો કરવામાં આવશે.
ભાવનગર સુમીટોમો કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય શર્માએ આંદોલન સંદર્ભે જણાવ્યું હતું કે, કંપનીના કર્મચારીઓ દ્વારા જે પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે તે માંગને લઈને હાલમાં પણ કંપનીના સત્તાધિશો વિચારાધીન છે અને વહેલી તકે કર્મચારીઓની માંગણી સંતોષાઈ જાય અને લડતનો અંત આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓ જે પગાર વધારાની માંગ કરી રહ્યા છે તે હાલમાં શક્ય નથી.
કારણ કે કંપની આર્થિક દ્રષ્ટિએ સક્ષમ ન હોવાના કારણે પગાર વધારો શક્ય નથી, આ ઉપરાંત સેફટીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો ન હોવાનું શર્માએ જણાવ્યું હતું, ફેક્ટરી ધારા ધોરણ મુજબ જ તમામ કર્મચારીઓને સુરક્ષા કવચ અને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે.
