UPSC પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના 76 તાલીમાર્થીઓ પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા
સ્પીપામાં પર્સનાલિટી ટેસ્ટ માટેના તાલીમવર્ગ અને પ્રશિક્ષણ વર્ગમાં અપાતી સુવિધાઓ અને પ્રોત્સાહન સહાય થકી યુપીએસસીમાં તાલીમાર્થીઓ મેળવી રહ્યા છે ઝળહળતી સફળતા
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા(સ્પીપા)એ ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨થી ‘સ્પીપા‘ અમદાવાદ ખાતે ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે ‘ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર‘ મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરેલ છે.
યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૫ની મુખ્ય પરીક્ષા ઓગષ્ટ ૨૦૨૫માં યોજવામાં આવી હતી. જેમાં સ્પીપાના કુલ ૨૭૨ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી. યુ.પી.એસ.સી. દ્વારા તા.૧૧/૧૧/૨૦૨૫ના રોજ યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ મુખ્યપરીક્ષા ૨૦૨૫નું પરીણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨,૭૩૬ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સ્પીપામાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થનાર તાલીમાર્થીઓની સંખ્યા કુલ ૧૬૦ હતી. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના મુખ્ય પરીક્ષાના તાલીમ વર્ગમાં જોડાયેલા ૨૭૨ ઉમેદવારોમાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થનાર તાલીમાર્થીઓની શરૂઆતની સંખ્યા ૪૯થી વધીને હવે ૭૬ તાલીમાર્થીઓ સુધી પહોંચી છે.
તેમજ સ્પીપાના એવા જુના તાલીમાર્થીઓ કે જેમણે યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૫ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો પણ સ્પીપાના પર્સનાલિટી ટેસ્ટમાં જોડાઈ શકે છે. આમ, ઉક્ત સંખ્યામાં વધારો થવાની સંભાવના છે, એમ સંયુક્ત નિયામક (સ્ટડી), સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
પર્સનાલિટી ટેસ્ટ માટેનો તાલીમવર્ગ:
યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષાર૦૨૫ના પર્સનાલિટી ટેસ્ટના તાલીમ વર્ગમાં વ્યાખ્યાન, ગ્રુપડિસ્કશન. વન ટુ વન ઇન્ટરવ્યું અને પાંચ કે છ નિષ્ણાંત અને અનુભવી અધિકારીશ્રીઓ (IAS,IFS,IPS etc) તેમજઅનુભવી વ્યાખ્યાતાશ્રીઓની કમિટી બનાવી મોક ઇન્ટરવ્યુ દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે.
મોક ઇન્ટરવ્યુમાં તાલીમાર્થીના થયેલ સંપૂર્ણ મોકની વિડિયોગ્રાફીપણકરવામાં આવે છે. જેથી તાલીમાર્થી પોતે પોતાનો વિડિયો જોઇને અને કમિટી દ્વારા મળેલ રીમાર્કસ મુજબ પોતાની પર્સનાલિટીમાં સુધારો કરી શકે.
તદ્દપુરાંત, યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝના તમામ પ્રશિક્ષણ વર્ગોમાં અપાતી સવલતો અને પ્રોત્સાહન સહાયની વિગતો નીચે મુજબ છે.
*પ્રશિક્ષણ વર્ગમાં અપાતી સવલતો:-*
– સ્પીપા દ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષાના તાલીમવર્ગના ભાગરૂપે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સાક્ષાત્કાર કસોટીની સઘન તાલીમ આપવામાં આવે છે.
– સ્પીપા ખાતે યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા દરેક તબક્કા માટે વિના મૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે.
– સ્પીપાની લાયબ્રેરીમાં ૫૦,૦૦૦ કરતાં પણ વધારે પુસ્તકો છે. યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે જરૂરી સંખ્યામાં રાખવામાં આવે છે.
– ઉમેદવારો માટે વાંચન માટે અદ્યતન વાંચનાલયની વ્યવસ્થા આપવામાં આવે છે.
– ઉમેદવારો તૈયારી હેતુસર ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે માટે વિના મૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી આપવામાં આવે છે.
*પ્રોત્સાહન સહાય*
તાલીમાર્થીઓને નીચે મુજબ પ્રોત્સાહન સહાય/ઈનામ આપવામાં આવે છે.
– તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.૨,૦૦૦/- પ્રોત્સાહન સહાય
– યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીને રૂ.૩૦,૦૦૦/-પ્રોત્સાહન સહાય
– યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીને રૂ.૩૦,૦૦૦/-પ્રોત્સાહન સહાય
– યુપીએસસીની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.૫૧,૦૦૦/- અને યુવતીને રૂ.૬૧,૦૦૦/- પ્રોત્સાહન સહાય તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ યુવકને રૂ.૨૧,૦૦૦/- અને યુવતીને રૂ.૩૧,૦૦૦/- પ્રોત્સાહન સહાયઆપવામાં આવે છે.
