ઓસ્ટ્રેલિયાના બીચ પર ફાયરિંગ કરનારનું પાકિસ્તાન કનેક્શન
૫૦ વર્ષના સાજિદ અક્રમ અને ૨૪ વર્ષના તેના પુત્ર નવીદ અક્રમે નિર્દયતાથી સમુદ્ર કાંઠે તહેવાર ઉજવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું.
(એજન્સી) સિડની, ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૫થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનારા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. આ બંને બાપ બેટા છે.
સિડનીના બોન્ડી બીચ પર યહુદી ધર્મના લોકોના તહેવાર હનુક્કા સેલિબ્રેશન દરમિયાન ૫૦ વર્ષના સાજિદ અક્રમ અને ૨૪ વર્ષના તેના પુત્ર નવીદ અક્રમે નિર્દયતાથી સમુદ્ર કાંઠે તહેવાર ઉજવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું. ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી સીબીએસ મુજબ નવીદ અક્રમ પાકિસ્તાની નાગરિક છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લેન્યોને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે ૫૦ વર્ષના આતંકીને પોલીસે ગોળી મારી અને તેનું મોત થયું. જ્યારે ૨૪ વર્ષનો આતંકી નવીદ હોસ્પિટલમાં દાખલ છે. આ બંને પિતા પુત્ર છે. આતંકી નવીદ અક્રમ પાસે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે અને ૪૦ લોકો ઘાયલ છે.
આતંકી હુમલામાં સામેલ આતંકી સાજિદ અક્રમ અને નવીદ અક્રમે પોતાના ઘરે કહ્યું હતું કે દક્ષિણી સમુદ્રી કાંઠે માછીમારી કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. આતંકી નવીદના બેકગ્રાઉન્ડની જાણ થતા જ પોલીસે સિડની પશ્ચિમ ખાતે આવેલા બોનીરિંગમાં તેના ઘરને ઘેરી લીધુ.
આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં નવીદની માતા વેરેનાએ જણાવ્યું કે તેનો પુત્ર જે એક બેરોજગાર રાજ મિસ્ત્રી હતો તેણે રવિવારે સવારે પરિવાર સાથે છેલ્લી વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે વીકેન્ડ પર પિતા સાથે જર્વિસ બે ગયો હતો. લેન્યોને જણાવ્યું કે તપાસકર્તાઓને ઘટના સ્થળેથી સંદિગ્ધના છ લાઈસન્સી હથિયાર મળ્યા છે.
તેમણે કહ્યું કે સાજિદ પાસે લગભગ દસ વર્ષથી બંદૂકનું લાઈસન્સ હતું. પોલીસે જણાવ્યું કે સંદિગ્ધોમાંથી એકની ગાડીમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ અને ISISનો ઝંડો પણ મળ્યો છે. લેન્યોને કહ્યું કે અમે આ હુમલા પાછળના હેતુની તપાસ કરીશું અને મને લાગે છે કે આ તપાસનો એક મહત્વનો હિસ્સો છે.
