સેવાલીયા પાસે કાર સાથે રોઝડુ અથડાતા અકસ્માત, કાયમી ઉકેલ લાવવા માંગ
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામ પાસે રોઝડાનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ઉભા પાકને નુકશાન પહોંચાડતા રોઝડા હવે ખોરાકની શોધમાં હાઇવે ઉપર ઉતરી આવ્યા છે. અને દિવસે ને રાત્રે રોડ ઉપર દોડાદોડ કરે છે. અચાનક વાહનચાલકના સાધન સામે આવી જતા હોય છે જેને લઈને જો વાહનચાલક વાહન કંટ્રોલ કરવામાં ભૂલ કરે તો અકસ્માત સર્જાય છે.
તાજેતરના કિસ્સામાં સેવાલીયા થી બાલાસિનોર રોડ ઉપર મહેશભાઈ ડાહ્યાભાઈ ભોઈ પોતાની વેગનઆર કાર લઈને ઘરેથી જમીને પોતાની સેવાલીયા ખાતે આવેલી મોટર રિવાઈડિંગની દુકાને જઈ રહ્યા હતા તે દરમિયાન કચ્છ કડવા પટેલ સમાજવાડી પાસે એક રોઝ અચાનક આવી ચઢતા વેગનઆર કારનો ચાલક બાજુનો ભાગ તેમજ કાચ તૂટી ગયા હતા અને બીજા અન્ય બે મોટર સાઇકલ સાથે અથડાઈ હતી. (૧) એવીએટર જી.જે.૦૭. બી.એસ.૫૭૪૧, (૨) સ્પ્લેન્ડર જી.જે.૦૭.એ.ડી. ૩૮૧૯ને અથડાતા બન્ને વાહનોને નુકશાન થયેલું હતું.આ રોઝડાનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. આ દ્રશ્યો જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોઝ જેવા જંગલી પ્રાણી જેઓ નો વસવાટ મુખ્યત્વે ખેતર માં હોય છે તેઓ હવે પોતાની ભૂખ સંતોષવા શહેર વિસ્તારમાં નીકળી આવ્યા છે. ઘટના સ્થળની આસપાસ આરાધ્ય કોમ્પ્લેક્સ, રાગીણી માતાના મંદિર વિસ્તાર, શ્રી રામ નગર, વિગેરે ગીચ વસ્તી ધરાવતા વિસ્તરો આવેલા છે. તંત્ર ઉપર જ વાહનચાલકોની સુરક્ષાની જવાબદારી છે. તેઓએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ આ સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવા જોઈએ જેથી વાહન ચાલક પોતાનું વાહન ધીરે ધીરે હકારે જેથી આવા અકસ્માત થતા રોકી શકાય તેમ છે.*