‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની વડતાલધામમાં ઉજવણી
(એજન્સી)વડતાલ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય પાવનધામ વડતાલ ખાતે આજે સોમવારે ૧૫મી ડિસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસર પર સવારે ૭ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. ઉત્સવના પ્રારંભે મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું અને મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી, ત્યાર બાદ મહામંત્ર પોથીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામી સહિત પૂ. લાલજી મહારાજ, ભજનાનંદી સ્વામી સહિત ૪૦થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન-અભિષેક અને મંત્ર લેખનનો ધર્મલાભ લીધો હતો.
ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, મહામંત્રને હજુ માત્ર ૨૨૪ વર્ષ થયા છે, પણ આજે તે દરેક દેશમાં મંદિરોના નિર્માણ સાથે સ્વામિનારાયણની ધજા ફરકાવી રહ્યો છે. તેમણે સૌ હરિભક્તોને મહામંત્રનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
