Western Times News

Gujarati News

કુબેરનગર ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવાનો નિર્ણય AMCએ લીધો નથી

અમદાવાદમાં ૧૫૦ મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ યથાવત છે. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ ખાતે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને અંદાજે ૧૫૦ જેટલા દબાણો તોડી પાડ્‌યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી એએમસી દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે તળાવની આસપાસના આશરે ૧૫૦ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે, Ahmedabad – Excavator being used to demolished illegal residence near Sardar Vallabh Bhai Patel international Airport as part of mega demolition drive of Ahmedabad Municipal Corporation AMC in Ahmedabad on Tuesday, December 16, 2025

જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપે તો તેઓ ત્યાં જવા માટે તૈયાર છે, પરંતુ અચાનક છત છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે.

ડિમોલિશનની કામગીરી દરમિયાન સંવેદનશીલતા દાખવતા, કમલા તલાવડી વિસ્તારમાં આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર સમા ખોડિયાર માતાના મંદિરને હાલ પૂરતું તોડવામાં આવ્યું નથી. બીજી તરફ, સ્થાનિકોના વિરોધ અને હોબાળાને પગલે સ્થળ પર હાજર પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરાવવા જહેમત ઉઠાવી હતી.

સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્‌યા હતા. મહિલા, બાળકો, વૃદ્ધો નજર સામે ઘર તૂટતાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્‌યા હતા. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઘર તોડી રહી છે તો તેમને રહેવા માટે બીજી વ્યવસ્થા કરવામાં આવે. તળાવની આસપાસ કુલ ૧૫૦ ઘર તોડવામાં આવ્યા છે. જોકે આ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવામાં આવશે નહીં.

મંદિરની બાજુમાં આવેલો એક વિશાળ, બે માળનો બંગલો, જેને તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણવામાં આવતું હતું. સ્થાનિકના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવામાં કોર્પોરેશનના દળને સવિશેષ મહેનત કરવી પડી હતી.

જોકે, કમલા તલાવડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નથી. તળાવના વિસ્તારમાં આ મંદિર યથાવત્ રાખવામાં આવશે અને તેના ડિમોલિશનની કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.