Western Times News

Gujarati News

ડાકોરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં ૨૦૦થી વધુ દબાણો દૂર કરાયા

File Photo

(પ્રતિનિધિ) નડિયાદ, યાત્રાધામ ડાકોર ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી, જેમાં શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને મુખ્યત્વે ધ્યાનમાં લેવાઈ હતી. કલેકટરે તાત્કાલિક ધોરણે નડતરરૂપ દબાણો દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં કુલ ૧૫૦ થી વધુ કાચા-પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગઈ રાત્રે પણ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં અન્ય ૭૦ દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. દબાણો દૂર થવાના પરિણામે, ટ્રાફિકને અડચણરૂપ બનતો મુખ્ય માર્ગ સરેરાશ ૫ ફૂટ જેટલો વધુ ખુલ્લો થયો છે, જેનાથી યાત્રાળુઓ અને સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.

ડાકોર ટ્રાફિકની ગંભીર સમસ્યાથી સતત પીડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિના નિરાકરણ માટે જિલ્લા કલેકટરે શુક્રવારના રોજ ડાકોર શહેરની મુલાકાત લીધી હતી અને સ્થળ પર જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન, નગરના મુખ્ય માર્ગો પરના અનઅધિકૃત દબાણોને ટ્રાફિક જામનું મુખ્ય કારણ ગણાવી, કલેકટરે સંબંધિત વિભાગોને તાત્કાલિક આ દબાણો દૂર કરવા માટે કડક સૂચના આપી હતી.

કલેક્ટરના આદેશને પગલે, નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ દરમિયાન ૧૫૦થી વધુ કાચા અને પાકા બાંધકામો તેમજ અન્ય દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણો મોટાભાગે રોડની બંને બાજુએ થતાં ર્પાકિંગ અને માર્ગ અવરોધની સમસ્યા સર્જતા હતા.

ત્યારબાદ, આ કાર્યવાહીનો ત્રીજો તબક્કો સોમવારે હાથ ધરાયો હતો, જેમાં વડા બજારથી લઈને બસ સ્ટેશન સુધીના વ્યસ્ત માર્ગને લક્ષ્યમાં લેવાયો હતો. આ એક દિવસની કામગીરીમાં જ પ્રશાસને ૮૦થી વધુ કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ ન હટાવતા, પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂર્ણ કરાઈ હતી. સોમવારે રાત દરમિયાન પણ શહેરના રણછોડરાયજી મંદિરની આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં ૭૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સળંગ કાર્યવાહીના પરિણામે, ડાકોરના મુખ્ય માર્ગો પર હવે ૫ ફૂટ જેટલી વધારાની જગ્યા ખુલ્લી થઈ છે. આ કાર્યવાહીને કારણે રસ્તાઓ ખુલ્લા થતાં યાત્રાળુઓની અવર-જવર સુગમ બનશે અને ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.