સાયબર ગઠિયાએ વાલીઓનો સંપર્ક કરી ‘સ્કૂલમાંથી બોલું છું’ તેમ જણાવી લિંક પર ક્લિક કરાવી છેતરપિંડી કરી
નડિયાદઃ સંતરામ વિદ્યાલયના વાલીઓનું સોશિયલ મીડિયા ગ્રુપ હેક કરી ઓનલાઈન છેતરપિંડી
(પ્રતિનિધિ) નડિયાદ, સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓ માટે શાળા દ્વારા બનાવાયેલા સોશિયલ મીડિયાના ઉરટ્ઠંજછpp ના ૨૫થી વધુ ગ્રુપોને હેક કરીને વાલીઓના મોબાઈલ નંબર મેળવ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ વાલીઓનો સંપર્ક કરી ‘સ્કૂલમાંથી બોલું છું’ તેમ જણાવી લિંક પર ક્લિક કરવા અને પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. ૪ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ ફસાયા હતા જો કે આ અંગે સ્કૂલ દ્વારા વાલીઓને જાગૃત કરવા માટેની મીટીંગો શરૂ કરી પૂરી છે અને બીજી બાજુ સાયબર ક્રાઇમમાં અરજી પર આપી હોવાનું જાણવા મળે છે
નડિયાદમાં આવેલી સંતરામ વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી ધોરણ ૧૨ સુધીના વર્ગો ચલાવે છે, જેમાં આશરે ૪,૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા દ્વારા વર્ગ શિક્ષક વાલીઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકે અને જરૂરી સૂચના આપી શકે તે માટે દરેક વર્ગ દીઠ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ તમામ ગ્રુપોને કોઈ હેકરે હેક કર્યા હતા.
હેકરે ગ્રુપમાંથી વાલીઓના મોબાઇલ નંબર મેળવી સંપર્ક સાધ્યો હતો અને પોતે સ્કૂલમાંથી બોલતો હોવાનું જણાવી વાલીઓ પાસે કોઈ બહાને પૈસાની માંગણી કરી હતી. તે ઉપરાંત, તે વાલીઓને એક લિંક મોકલી તેના પર ક્લિક કરવાનું જણાવતો હતો.
ગઠિયાની વાતોમાં આવી જઈને ચાર વિદ્યાર્થીઓના વાલીઓએ તેણે મોકલેલી લિંક ઓપન કરીને આવેલો્ઁ નંબર આપ્યો હતો. ગઠિયાએ આ પ્રકારે ચારેક વાલીઓના બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ૧૦થી ૧૫ હજારની રકમ ઉપાડી લઈને છેતરપિંડી આચરી હતી.
શાળા પ્રશાસનને આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સ્કૂલ પ્રશાસને સતર્કતા દાખવી સોશિયલ મીડિયામાં શાળાના તમામ વાલીઓના ગ્રુપોમાં મેસેજ મૂકીને સ્પષ્ટતા કરી હતી કે સ્કૂલ દ્વારા કોઈ વાલીને ફોન કરીને લિંક મોકલવામાં આવતી નથી કે પૈસાની માંગણી કરવામાં આવતી નથી.
આ ઉપરાંત, સ્કૂલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓનો મોબાઈલથી સંપર્ક સાધીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે આજે સવારથી મોડી સાંજ સુધી તબક્કાવાર મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાલીઓના ગ્રુપો હેક થયા હોવાથી તેમને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી.
સ્કૂલ પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે સાયબર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારે ગઠિયા દ્વારા શહેરમાં આવેલી અન્ય બે જેટલી શાળાઓના વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપો હેક કરીને પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું પણ ચર્ચા છે
