કેજરીવાલની ૧૬મીએ મુખ્યમંત્રી તરીકે તાજપોશી: તૈયારીઓ શરૂ
દિલ્હીમાં ઉલ્લેખનીય જીત મેળવ્યા બાદ કેજરીવાલની નેતા તરીકે સર્વસંમતિથી પસંદગી: કેજરીવાલ કેબિનેટમાંથી કેટલા મંત્રીઓના પત્તા કપાય તેવા સંકેત |
નવી દિલ્હી, દિલ્હીમાં પ્રચંડ જીત સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવેલા મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે પૂર્ણ કેબિનેટની સાથે શપથ લેનાર છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ આજે જાહેરાત કરી હતી કે કેજરીવાલને વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ હવે ૧૬મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. તેમની તાજપોશી માટેની તમામ તૈયારી શરૂ પણ થઇ ચુકી છે. સિસોદિયાએ કહ્યુ હતુ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીને પ્રચંડ બહુમતિ મળી છે. સિસોદિયાએ કેજરીવાલ અને તેમની ટીમ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે કેજરીવાલ ૧૬મી તારીખે શપથ લેશે. તેમની સાથે પૂર્ણ ટીમ પણ શપથ લેશે. સવારે ૧૦ વાગ્યાથી શપથગ્રહણની શરૂઆત થનાર છે. દિલ્હીના લોકોને અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રામ લીલા મેદાન ખાતે પહોંચે. અરવિન્દ કેજરીવાલની સાથે મળીને દિલ્હીને નફરતની રાજનીતીમાંથી મુક્તી અપાવવા માટે લોકો પ્રતિજ્ઞા કરે તેવી માંગ કરવામાં આવી છે.
આ પહેલા મનીષ સિસોદિયાએ દિલ્હીના બે કરોડ લોકોનો શાનદાર જીત અપાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દિલ્હીની પ્રજાએ અપેક્ષા કરતા પણ વધારે જંગી સમર્થન આપ્યુ છે. ૭૦ પૈકી ૬૨ સીટો પર જીત પાર્ટીને અપાવવાનો અર્થ છે કે દિલ્હીની પ્રજાએ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. દિલ્હીના લોકોએ સાબિતી આપી દીધી છે કે કેજરીવાલ તેમના પુત્ર તરીકે છે.
દિલ્હીની પ્રજાએ નફરતની રાજનીતિને ફગાવી દીધી છે. સાથે સાથે સાબિતી આપી દીધી છે કે કેજરીવાલ મોડલ જ વિકાસ સંબંધિત અસલી મોડલ છે. કેજરીવાલના પરિવારના સભ્યોએ કહ્યુ છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૦ કરતા ઓછી બેઠકની અપેક્ષા રાખી રહ્યા ન હતા. શપથવિધીને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે.
જો કે કેબિનેટની રચનાને લઇને ચિત્ર હજુ સ્પષ્ટ થયુ નથી.
સુત્રોએકહ્યુ છે તે આ વખતે બે નવા પ્રધાન શપથ લઇ શકે છે. કેટલાક હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે કેજરીવાલ મંત્રીમંડળમાંથી આ વખતે કેટલાક પ્રધાનોની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. દરમિયાન રાજેન્દ્રનગરમાંથી જીતેલા રાઘવ ચડ્ડા અને કાલકાજીમાંથી જીતેલા આતિશીને કેજરીવાલ મંત્રીમંડળમાં તક મળી શકે છે. તમામ લોકો જાણે છે કે આમ આદમી પાર્ટીમાં આ બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. દિલીપ પાન્ડેને પણ તક આપવામાં આવી શકે છે. શિક્ષણમાં આતિશીના સારા પ્રયાસોની પહેલા પણ અનેક વખત પ્રશંસા થઈ ચુકી છે. એમ માનવામાં આવે છે કે, આ વખતે પણ શિક્ષણ વિભાગ તેમને સોંપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સલાહકારની ભૂમિકા જુલાઈ ૨૦૧૫થી એપ્રિલ ૨૦૧૮ વચ્ચે આતિશી અદા કરી ચુકી છે. જોકે, મોડેથી આ પદને અસ્વિકાર કરવામાં આવ્યા બાદ તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.