દહેજ ખાતે નર્મદા નદીમાં જેટી પર પરિક્રમાવાસીઓની જોખમી અવરજવર
બે બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકી પરિક્રમાવાસીઓની અવરજવર કરતા વિડિઓ વાયરલ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે.નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી ન હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટીયું મૂકીને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે.
નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરનો અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી પરિક્રમાવાસીઓને હોડી દ્વારા નદી પાર કરાવી ઉત્તર તટે આવેલા મીઠીતલાઈ ખાતે ઉતારવામાં આવે છે.પરંતુ ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે ૧૦થી ૧૫ ફૂટ જેટલું પુરાણ થઈ જતાં મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી ૬થી ૮ ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી.
ખાસ કરીને પખવાડિયાના આઠમથી બારસ સુધી દિવસ દરમ્યાન નદીમાં પાણી ઓછું રહેતાં પરિક્રમાવાસી ઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ વિકટ બની છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ૪થી ૫ વખત આવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરાવવામાં આવ્યા છે.
આ મુદ્દે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે, તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોની માંગ છે કે પરિક્રમાની જેટી આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો સીધી કિનારે લગાડી શકાય. સાથે સાથે,ત્યાં સુધી વચગાળાના વિકલ્પ રૂપે રો-રો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો નર્મદા પરિક્રમાવાસી ઓ માટે આ માર્ગ વધુ જોખમી બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે વાગરા મામલતદાર મીનાબેન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને ગઈકાલે જાણ થઈ છે જેથી આ બાબતે અમે મેરીટાઈમ બોર્ડને રજૂઆત કરી છે કે જો આવી કોઈ તકલીફ જણાય તો આ બોટ સંચાલકોને તેમની જેટી પર ઉતરવા દેવા માટે પરવાનગી આપે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.
