વિદેશી કરન્સીની હેરાફેરી, મગફળી તોડીને જોયુ તો સિંગદાણાની જગ્યાએ ચલણી નોટો નીકળી
નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર તલાશીમાંથી છટકી જવા માટે લોકો નવી નવી રીત રસમો અપનાવતા રહેતા હોય છે. દિલ્હીના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર વિદેશી ચલણી નોટો સુરક્ષા કર્મીઓની નજરથી બચાવીને લઈ જવા માટે એક યુવકે એવુ ભેજુ દોડાવ્યુ હતુ કે, સુરક્ષા કર્મીઓ પણ દંગ રહી ગયા હતા. મળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે છ વાગ્યે એરપોર્ટ પર તેનાત સીઆઈએસએફના સુરક્ષા કર્મીઓએ એક યુવાનની પૂછપરછ કરીને સામાન ચેક કર્યો ત્યારે તેની પાસેની મગફળી, બિસ્કિટ અને મિઠાઈની વચ્ચેથી 45 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. યુવાને મગફળીની અંદર દાણાની જગ્યાએ નોટો છુપાવેલી જોતા સુરક્ષા કર્મીઓ પણ વિચારતા થઈ ગયા હતા. પૂછપરછમાં મુરાદ આલમ નામના યુવકે કહ્યુ હતુ કે, તે આ ચલણીનોટો દુબઈ લઈ જઈ રહ્યો હતો. હવે વધુ પૂછપરછ માટે તેને કસ્ટમ વિભાગને સોંપી દેવાયો છે.