મુખ્યમંત્રીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના સાહેબની મુલાકાત લીધી
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે અમદાવાદના મઝાર-એ-કુત્બી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દાઉદી વ્હોરા સમાજ અને ગુજરાત રાજ્ય વચ્ચેના સદીઓ જૂના અતૂટ સંબંધોને ફરી એકવાર ઉજાગર કરે છે.
સામાજિક સમરસતા અને વિકાસ પર ચર્ચા
મુલાકાત દરમિયાન સૈયદના સાહેબ અને મુખ્યમંત્રી વચ્ચે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સૈયદના સાહેબે અમદાવાદમાં થઈ રહેલા સતત વિકાસ, શહેરની વ્યવસ્થા અને નાગરિકોની સુખાકારી માટે લેવામાં આવેલા પગલાંઓની વિશેષ પ્રશંસા કરી હતી.
વ્હોરા સમાજના યોગદાનની સરાહના
મુખ્યમંત્રીશ્રીએ સામાજિક કલ્યાણ અને શિક્ષણ ક્ષેત્રે દાઉદી વ્હોરા સમાજ દ્વારા આપવામાં આવતા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે:
“દાઉદી વ્હોરા સમાજ ગુજરાતના સાંસ્કૃતિક માળખાને વધુ સમૃદ્ધ અને મજબૂત બનાવે છે. શિક્ષણ અને નાગરિક જીવનમાં તેમનું પ્રદાન પ્રશંસનીય છે.”
32માં દાઈને પુષ્પાંજલિ અર્પણ કરી
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ 32માં દાઈ સૈયદના કુતબખાન કુતબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. તેમણે અમદાવાદમાં આ સમાજના ભવ્ય ઇતિહાસ અને વારસાને પણ યાદ કર્યો હતો.
