Western Times News

Gujarati News

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે ૫૦% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતાં રેખા ગુપ્તા સરકાર ઍક્શન મોડમાં આવી છે. પ્રદૂષણ રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે દિલ્હી સરકારે સરકારી અને પ્રાયવેટ બંને આૅફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય દિલ્હીની એર ક્વોલિટી અત્યંત ગંભીર સ્તરે પહોંચ્યા બાદ લેવામાં આવ્યો છે, કારણ કે આવી હવામાં બહાર નીકળવું લોકો માટે બિલકુલ સુરક્ષિત નથી.

દિલ્હીના શ્રમ મંત્રાલયના આદેશ અનુસાર, પ્રદૂષણના સંકટને ટાળવા માટે ૧૮ ડિસેમ્બરથી તમામ સરકારી અને ખાનગી આૅફિસોમાં માત્ર ૫૦% કર્મચારીઓની હાજરી સાથે કામકાજ ચલાવવાનું રહેશે, જ્યારે બાકીના ૫૦% સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

જો કે હાસ્પિટલ, ફાયર સર્વિસ, જેલ પ્રશાસન, જાહેર પરિવહન, વીજળી, પાણી, સ્વચ્છતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતા વિભાગોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે સંસ્થાઓ કે આૅફિસો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે સરકાર દ્વારા કડક દંડની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પ્રદૂષણને રોકવા માટે દિલ્હીમાં ગ્રૈપ-૩ અને ગ્રૈપ-૪ હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ કારણે લાખો મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે તમામ રજિસ્ટર્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સનેને રૂ.૧૦,૦૦૦નું વળતર સીધું તેમના ખાતામાં આપવામાં આવશે. જ્યારે ગ્રૈપ-૪ના પ્રતિબંધો હટાવવામાં આવશે, ત્યારે તે દિવસોની ગણતરી કરીને વધારાનું વળતર પણ ચૂકવવામાં આવશે. ટ્રાફિકની ગીચતા અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરવાના હેતુથી સરકાર દ્વારા આૅફિસના સમયમાં ફેરફાર કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

જે અંતર્ગત તમામ સ્ટાફને એકસાથે બોલાવવાને બદલે શિફ્ટ સિસ્ટમ અપનાવી અલગ-અલગ સમયે(જેમ કે સવારે ૧૦ અને બપોરે ૧૨ વાગ્યે) બોલાવવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે કર્મચારીઓને ખાનગી વાહનોના બદલે કાર પૂલિંગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.