Western Times News

Gujarati News

દ્વારકા જતાં ૪ પદયાત્રીઓને ડમ્પરે કચડી નાંખ્યા

પ્રતિકાત્મક

 અમરેલી નજીક અકસ્માતમાં ત્રણના મોત

ગાંધીનગર, રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી જેમાં ૭ થી વધુ વ્યક્તિના મોત નીપજયા છે. સૌથી ગંભીર અકસ્માતમાં દ્વારકા પાસે ચાર પદયાત્રીઓને ડમ્પરે કચડી નાંખ્યા હતા. આ ઉપરાંત રાજયમાં અન્ય સ્થળોએ પણ જીવલેણ અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે.

બનાસકાંઠાથી દ્વારકા મંદિરે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા છે.

જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના ભક્તોનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને ટક્કર મારી હતી.

અજાણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકોમાં બે યુવાનો પણ સામેલ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં માળિયા-મિયાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચારેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે એક ફોર વ્હીલ કાર રોડ પરથી નીચે ઉતરી જતાં આ ભયંકર દુર્ઘટના થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના બગસરા નજીક બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલ કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.