Western Times News

Gujarati News

અમદાવાદની સરકારી શાળામાં ભણતી દીકરીને “નાસા સ્ટેમ”માં ગાઈડ તરીકે આમંત્રણ મળ્યું

સરકારી યોજનાઓના લાભ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સીધો લાભાર્થીને મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાં મુખ્યમંત્રીની સૂચના

રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના આયોજનની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરીને મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદની ૧૪ વર્ષની દીકરી માહી ભટ્ટની ગૌરવશાળી સિદ્ધિને બિરદાવી હતી.

સરકારી શાળામાં યોજાતા વિજ્ઞાન મેળામાં રસપૂર્વક ભાગ લેતી આ દીકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્‌યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની છસ્ઝ્ર સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની આ દીકરી માહીને ‘નાસા સ્ટેમ’માં ગાઈડ તરીકે આમંત્રણ મળવા બદલ મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે દીકરી અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યના નાગરિકોનું હિત અને સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારની કાર્યશૈલીના કેન્દ્રમાં છે, તેમ જણાવતાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે.

આ જાહેરાતો અને નિર્ણયોનો લાભ રાજ્યના છેવાડાના નાગરીક સુધી સુયોગ્ય રીતે પહોંચે તેની ખાતરી કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે. સરકાર દ્વારા લેવાતા દરેક પ્રજાલક્ષી નિર્ણયો અને દરેક યોજનાનું સત્વરે અમલીકરણ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. આ ઉપરાંત કોઈપણ પ્રજાલક્ષી નિર્ણય બાદ તેમાં કોઈપણ પ્રકારના વિલંબ વગર ત્વરિત અમલીકરણ કરવા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત આગામી ૧૦ જાન્યુઆરીથી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અને આયોજનની મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે, આ સમિટને વધુ સાર્થક બનાવી સામાન્ય નાગરિકો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે વહીવટી તંત્રને અત્યારથી જ સજ્જ થવા સૂચના આપી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.