ખોખરામાં ૨૨ વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર યુવતીના મોઢાના ભાગે ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત અંગેની ફરિયાદ નિશાન શમશેર ગુપ્તા (ઉં.વ. ૨૫) દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ પોતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર તરીકે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. મૃતક યુવતી તેમની નાની બહેન ખુશ્બુ શમશેર ગુપ્તા (ઉં.વ. ૨૨) હતી. ખુશ્બુ એલ.જી. બ્રિજ પાસે આવેલી યુનિ ઈએનટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી પરિવારને મદદરૂપ થતી હતી.
એક સામાન્ય પરિવારની દીકરી અને ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈ-બહેન પૈકી બહેનનું અકાળે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રે આશરે ૧૦ઃ૧૫ વાગ્યાની આસપાસ ખુશ્બુ પોતાના પિતાનું એક્ટિવા લઈને ગાયત્રી ડેરી તરફથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી.
આ દરમિયાન આર્યાેદય સોસાયટીની સામેના માર્ગ પર પૂરઝડપે અને બેદરકારીથી આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ખુશ્બુ નીચે પટકાતા ડમ્પરનું ટાયર તેના મોઢા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. પાડોશી દ્વારા જાણ કરાતા હિંમતનગરથી દોડી આવેલા ડોક્ટર ભાઈએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પોતાની વ્હાલસોયી બહેનની લાશ જોઈ કલ્પાંત કર્યાે હતો.SS1MS
