એસટી નિગમ ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમ માટે 2000 બસ દોડાવશે
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને ભારતના પ્રવાસની શરુઆત ગુજરાતના અમદાવાદથી કરશે. જેને લઈ તડામાર તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે. તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. આ માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર ઉપસ્થિત રહેશે.
લોકોને લાવવા અને લઈ જવા માટે એસટી નિગમની 2000 બસને દોડાવવામાં આવશે. જેમા અમદાવાદ અને ગાંધીનગર ડિવિઝનની 800 બસો અને અન્ય ડિવિઝનમાંથી 1200 બસ મંગાવવામાં આવશે. જોકે એસટી નિગમ પાસે કોઈ વધારાની બસો નથી પરંતુ કાર્યક્રમ માટે ઓછા ટ્રાફિક વાળા રૂટ રદ કરીને ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમમાં બસ દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.એટલે કે 24 ફેબ્રુઆરીના એસટી નિગમની 2000 બસો માત્ર કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે.
2000 બસોની ફાળવણી કરવાની છે જેને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કયા ડિવિઝનમાંથી કેટલી બસો આવશે તેની ચર્ચા કરવામાં આવી છે. 2000 બસની પાર્કિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા સંભાળવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ બે હજાર એસટી બસના પાર્કિગ માટેની વ્યવસ્થા કરી રહ્યુ છે. સાથે સાથે વીવીઆઈપી વાહનોના પાર્કિગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈ એસટી નિગમના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ સાથેની બેઠક યોજીને આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે એસટી નિગમ પાસે 7 હજાર વાહનો છે જેમાથી 2 હજાર બસો તો માત્ર કાર્યક્રમ માટે દોડાવવાની છે ત્યારે જે રૂટની બસો રદ કરે ત્યાના પ્રવાસીઓને મુશ્કેલી ન સર્જાય તે પણ મહત્વનો મુદો છે. એટલે કે પ્રવાસીઓ પણ 24 ફેબ્રુઆરીના ક્યાંય જતા હોય તો બસના શિડ્યુલ જોઈને નિકળવું પડશે.