અલ્ઝાઈમર સંશોધનમાં ગાંધીનગર સ્થિત GBUની વૈશ્વિક સિદ્ધિ: માતૃત્વ અને વિજ્ઞાનનો અનોખો સંગમ
ગાંધીનગર, અલ્ઝાઈમર રોગના સંશોધન ક્ષેત્રે થયેલા એક મોટા બ્રેકથ્રુએ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના બાયોઇન્ફોર્મેટિક્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિશા સિંઘને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં આ સિદ્ધિની વિશેષ નોંધ લેવામાં આવી છે. આ સફળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭‘ ના વિઝનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં વિજ્ઞાન, નવીનતા અને મહિલા સંચાલિત સંશોધન ભારતની પ્રગતિનું ચાલકબળ બની રહ્યા છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે જે સંપૂર્ણપણે બાયોટેકનોલોજી ક્ષેત્રે સમર્પિત છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં આ યુનિવર્સિટી સંશોધન-આધારિત શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા પર કાર્ય કરી રહી છે.
સંશોધનની વિશેષતા: પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ ‘Small’ (Wiley દ્વારા પ્રકાશિત, Impact Factor 12.1) માં પ્રકાશિત થયેલ આ અભ્યાસ, અલ્ઝાઈમર રોગ માટે એક નવીન ‘મલ્ટીફંક્શનલ નેનોપાર્ટિકલ-આધારિત‘ ઉપચાર પદ્ધતિ રજૂ કરે છે. સામાન્ય સારવાર પદ્ધતિઓથી વિપરીત, આ નવી વ્યૂહરચના મગજમાં ઝેરી પ્રોટીનનો જમાવડો રોકવા, ન્યુરોનલ ડેમેજ (ચેતાકોષોને નુકસાન), સોજા (Inflammation) ઘટાડવા અને મગજની મરમ્મત જેવા પાસાઓ પર એકસાથે કામ કરે છે.
ડો. નિશા સિંઘે આ પ્રોજેક્ટમાં કોમ્પ્યુટેશનલ મોડેલિંગ અને બાયોઇન્ફોર્મેટિક્સ વિશ્લેષણ દ્વારા નેનોપાર્ટિકલ્સ મગજના હાનિકારક ‘એમીલોઇડ-બીટા પ્લેક્સ‘ને કેવી રીતે તોડે છે તે સાબિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સંશોધન INST મોહાલીના ડો. જીબન જ્યોતિ પાન્ડાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં NIPER રાયબરેલીના ડો. અશોક કુમાર અને જીબીયુના ડો. નિશા સિંઘનો મહત્વનો સહયોગ રહ્યો છે.
માતૃત્વ અને વિજ્ઞાનનો સમન્વય: ડો. નિશા સિંઘની સિદ્ધિ પાછળની તેમની વ્યક્તિગત સફર અત્યંત પ્રેરણાદાયક છે. તેમણે તેમની ગર્ભાવસ્થાના પડકારજનક સમયગાળા દરમિયાન પણ આ સંશોધન કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું. માતૃત્વ અને ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવીને તેમણે સાબિત કર્યું છે કે સ્ત્રી શક્તિ માટે કોઈ મર્યાદા નથી. તેમની આ સફર દેશની હજારો યુવા મહિલા વૈજ્ઞાનિકો માટે એક શક્તિશાળી સંદેશ આપે છે.
તાજેતરમાં જ ફ્રેન્ચ એમ્બેસી (ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા) દ્વારા ડો. સિંઘને ‘Scientific High-Level Visiting Fellowship (SSHN) 2025’ એનાયત કરવામાં આવી હતી, જેમાં દેશભરના તમામ વિષયોના ટોચના 50 વૈજ્ઞાનિકોમાં તેમની પસંદગી થઈ હતી. તેઓ તેમના સાત મહિનાના બાળક સાથે પેરિસ (INRAE–IJPB) ની બે અઠવાડિયાની વૈજ્ઞાનિક મુલાકાતે ગયા હતા, જે તેમની વિજ્ઞાન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.વધુમાં, તેમને કૃષિ ક્ષેત્રે તુવેરની જાતોમાં પ્રોટીન અને પોષક તત્વો વધારવાના સંશોધન માટે ‘IGSTC-WISER 2025’ ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે.
અદભૂત શૈક્ષણિક કારકિર્દી: ડો. નિશા સિંઘે પ્લાન્ટ જેનોમિક્સમાં PhD કર્યું છે અને અમેરિકાની પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટી ખાતે પોસ્ટ-ડોક્ટરલ સંશોધન પૂર્ણ કર્યું છે. તેઓ 65 થી વધુ ઉચ્ચ પ્રભાવશાળી સંશોધન પ્રકાશનો, 3 પેટન્ટ અને 4 વૈજ્ઞાનિક પુસ્તકોના સંપાદક છે. તેમને INSA યંગ સાયન્ટિસ્ટ મેડલ અને NASI યંગ સાયન્ટિસ્ટ પ્લેટિનમ જુબિલી એવોર્ડ સહિત 30થી વધુ સન્માન મળ્યા છે.
આઝાદીના અમૃતકાળમાં, ડો. નિશા સિંઘ જેવા વૈજ્ઞાનિકોનું યોગદાન ભારતને ‘નોલેજ ઇકોનોમી‘ બનાવવામાં મહત્વનું છે. જ્યારે વિજ્ઞાનમાં મહિલાઓ નેતૃત્વ કરે છે, ત્યારે ખરેખર રાષ્ટ્ર પ્રગતિના નવા શિખરો સર કરે છે તેમ, GBUના નાયબ કુલ સચિવ શ્રી વિમલ શાહ દ્વારા જણાવાયું છે.
