AMC પ્રોપર્ટી ટેક્સ માટે વ્યાજ રિબેટ યોજના જાહેર :1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે
જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે : દેવાંગ દાણી
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025–26ના પ્રારંભના ત્રણ મહિના માટે ‘વ્યાજ માફી યોજના 2025–26’ જાહેર કરવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત ઝડપી બને અને કરદાતાઓ પર વ્યાજનું ભારણ ઘટે તે હેતુ સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેઓ આ સમયગાળા દરમિયાન વેરો ભરીને વ્યાજમાં નોંધપાત્ર રાહત મેળવી શકશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ આ યોજના હેઠળ રહેણાંક તથા બિનરહેણાંક (કોમર્શિયલ) મિલકતો માટે વ્યાજ માફીની અલગ-અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85 ટકા વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી અપાશે. દર મહિને વ્યાજ માફીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી મળશે. આમ, જે કરદાતા વહેલા ધોરણે ટેક્સ ભરશે તેમને વધુ રાહત મળશે.
આ યોજના અંતર્ગત તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. વર્ષ 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટીવ રીબેટ યોજના લાગુ પડશે નહીં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ વ્યાજ માફી યોજનાથી બાકી મિલકત વેરાની વસૂલાતમાં વધારો થવાની સાથે કરદાતાઓને પણ વ્યાજમાં મોટી રાહત મળશે.
