Western Times News

Gujarati News

લોકસભામાં વિપક્ષે શિવરાજ સિંહ પર ફેંક્યા કાગળના ટુકડા

લોકસભામાંથી પસાર થયું ‘જી રામ જી’ બિલ

(એજન્સી)નવી દિલ્હી, અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં જી રામ જી બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

લોકસભામાં ગુરુવારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, ૨૦૨૫ પાસ થઈ ગયું છે. જોકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, વિપક્ષી સાંસદોએ શિવરાજ સિંહ ચૌહાણ સામે કાગળના ટુકડા ફેક્્યાં.

કોંગ્રેસના સાંસદ કે.સી વેણુગોપાલે સ્પીકરને કહ્યું કે, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) વિધેયકને કોઈ સ્થાયી સમિતિ અથવા સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે. જોકે, અધ્યક્ષે એવું કહીને વિનંતીને ફગાવી દીધી કે આ વિધેયક પર ૧૪ કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ ચૂકી છે.

આ દરમિયાન, વિપક્ષે હોબાળો મચાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચર્ચા ચાલુ રાખવાની માંગ કરી. કૃષિ મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, કેટલી યોજનાઓના નામ નેહરુ પરિવાર પર રાખવામાં આવ્યા છે. રાજીવજીના નામે ૫૫ રાજ્ય સરકારની યોજનાઓના નામ રાખવામાં આવ્યા. ૭૪ રસ્તાઓના નામ રાજીવ ગાંધીના નામે, ૧૫ નેશનલ પાર્ક નેહરુજીના નામે રાખવામાં આવ્યા. નામ રાખવાની સનક કોંગ્રેસની છે.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ૧૬ ડિસેમ્બરે કહ્યું હતું કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. દરેક યોજનાનું નામ બદલવાનું કારણ અમને સમજમાં નથી આવતું. શિવરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ ક્્યારેય ગાંધીજીને માનતી નથી. અમે ગાંધીજીને માનીએ છીએ. ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી મળી ગઈ છે તો કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈએ.

જે દિવસે કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો, તે દિવસે બંધારણની હત્યા થઈ ગઈ. મોદી સરકારે મનરેગામાં અનેક પ્રકારની ખામીઓ દૂર કરી છે. મનરેગામાં અનેક પ્રકારે ભ્રષ્ટાચાર થયો છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મનરેગાનું નામ પહેલા મહાત્મા ગાંધીના નામે નહોતું રાખવામાં આવ્યું. તે તો પહેલા નરેગા હતું. પછી જ્યારે ૨૦૦૯ની ચૂંટણીઓ આવી ત્યારે ચૂંટણી અને વોટના કારણે મહાત્મા ગાંધી યાદ આવ્યા. ગાંધી બાપુ યાદ આવ્યા. ત્યારે તેમાં મહાત્મા ગાંધી જોડવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.