દિલ્હીમાં વધુ એક બુરાડી જેવો કાંડ! ભજનપુરામાં એક ઘરમાંથી 5 સડેલા મૃતદેહો મળ્યા
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીંના ભજનપુરા વિસ્તારમાં સ્થિત એક ઘરમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ મૃતદેહ કેટલાક દિવસ પહેલાના હતા અને સડેલી હાલતમાં મળી આવ્યા છે. મામલાની તપાસ કરી રહેલી ભજનપુરા પોલીસના જણાવ્યા મુજબ તમામ મૃતદેહ એક જ પરિવારના સભ્યોના છે, જેમાં માતા-પિતા અને એમના ત્રણ સંતાનો સામેલ છે. તપાસના શરુઆતના તબક્કે આ મામલે સામૂહિક આત્મહત્યાનો હોવાનો લાગી રહ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્નીના મૃતદેહો અલગ રુપમાં હતા જ્યારે ત્રણ સંતાનોના મૃતદેહ બાજુના રુમમાંથી મળી આવ્યા હતા. માહિતી મુજબ ઘરની બહાર તાળુ હતું અને ઘરમાં કોઇપણ પ્રકારની લૂંટફાંટના પૂરાવા નથી મળ્યા. પરંતુ મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓને શંકા પડી હતી અને પોલીસને જાણ કરી હતી. માનવામાં આવી રહ્યું છે આ પરિવાર થોડા સમય પહેલા જ આ મકાનમાં રહેવા આવ્યું હતું. પરિવારનો મોભિયો રીક્ષા ચાલક હતો. આ પહેલા 2018માં નોર્થ દિલ્હીના બુરાડીમાં સ્થિત સંત નગરમાં પણ એક પરિવારના 11 લોકોની લાશ મળી આવતા ભારે હોબાળો મચ્યો હતો.