ભરૂચ SOGએ પાનના ગલ્લા પરથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર જપ્ત કર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એસ ઓ જી પોલીસે પાંચબત્તી અને ઓમકારનાથ હોલ સામે આવેલ બે અલગ અલગ પાનના ગલ્લા પરથી ગોગો રોલિંગ પેપર અને કોન ઝડપી પાડી ૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એ.વી.પાણમીયાની રાહબરીમાં ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.
આ દરમ્યાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથધરી બે અલગ-અલગ જગ્યાએ પાંચબત્તી અને ઓમકારનાથ હોલ સામે આવેલ પાનના ગલ્લા પરથી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબ્જે કર્યા છે.
જેમાં એક કેસમાં રૂ.૧,૭૯૦ તથા બીજા કેસમાં રૂ. ૧,૩૬૦ મળી કુલ ૩,૩૩૦નો મુદ્દામાલ કબ્જે કરી રઘુભાઈ શામંતભાઈ ભરવાડ અને રફિકભાઈ અલી મોહંમદ મેમણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગોગો પેપર ક્યાંથી મેળવવા હતા તે માટે બંનેની વધુ તપાસ ચાલુ છે.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
