રૂ.૧૬.૩૮ લાખના વિદેશી દારૂ સાથે ચાર આરોપીની ધરપકડ- કયાંથી ઘુસે છે ગુજરાતમાં દારૂ?
પોલીસે આ દારૂ સાથે ગુનામાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ પણ કબજે લીધી છે, જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્સ કાર અને સફેદ રંગની બોલેરો પ્લસનો સમાવેશ થાય છે.
રિછવાણી ગામે SMCનો મોટો દરોડોઃ
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિછવાણી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવા વર્ષની ઉજવણી પહેલાં દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન SOGની ટીમે ૧૬.૩૮ લાખના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહીએ ચકચાર મચાવી છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે રિછવાણી ગામનો બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઈ વણકર પોતાના રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે. મળેલી બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક રીતે આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન બાબુ ચોટલીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ૨૦૨૭ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂ.૫,૬૮,૬૦૦ આંકવામાં આવી છે.
પોલીસે આ દારૂ સાથે ગુનામાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ પણ કબજે લીધી છે, જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્સ કાર અને સફેદ રંગની બોલેરો પ્લસનો સમાવેશ થાય છે. બંને વાહનોની કુલ કિંમત આશરે રૂ.૧૦ લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.૭૦,૦૦૦ની કિંમતના પાંચ મોબાઈલ ફોન તથા દારૂ છુપાવવા માટે વપરાતું કાળું કપડું પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સ્થળ પરથી મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી વણકર સાથે તેને મદદ કરનાર સુનીલ બાબુભાઈ પરમાર, બોલેરો ગાડી લઈને આવેલ ડ્રાઈવર અક્ષયકુમાર બાબુભાઈ રાઠવા અને દારૂની પેટીઓ ઉતારવાની મજૂરી કરનાર રાજેશભાઈ માનાભાઈ વણકરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ગામના અશોકભાઈ પ્રતાપસિંહ બારીયાએ મોકલ્યો હતો. હાલ તે ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
