Western Times News

Gujarati News

પેકેજ્ડ વોટરની ગુણવત્તા અંગેની અરજી સુપ્રીમ કોર્ટએ ફગાવી

નવી દિલ્હી, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે દેશની ઘણી વસતિને હજુ પીવાના પાણીની મૂળભૂત સુવિધા મળતી નથી, ત્યારે આ એક ‘લક્ઝરી પિટિશન’ છે.સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ અરજીના મૂળ આધાર પર જ પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું હતું કે આ દેશમાં પીવાનું પાણી ક્યાં છે, મેડમ? લોકો પાસે પીવાનું પાણી નથી, ત્યારે બોટલમાં રહેલા પાણીની ગુણવત્તા પછીથી નક્કી થશે. કોર્ટ દેશની વ્યાપક વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરી શકે નહીં.

સારંગ વામન યાદવડકરે દાખલ કરેલી પીઆઈએલમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત વૈશ્વિક ધોરણો સહિત આંતરરાષ્ટ્રીય ધોરણે મુજબ ભારતમાં પણ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર માટે નિયમો બનાવવાની માગણી કરાઈ હતી.અરજદારના વરિષ્ઠ વકીલ અનિતા શેનોયે જણાવ્યું હતું કે આ મુદ્દો સીધી રીતે જાહેર આરોગ્ય અને ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલો છે. નાગરિકોને સ્વચ્છ અને સલામત પેકેજ્ડ પીવાના પાણીનો હક છે.

જોકે આ દલીલથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ઠ થઈ ન હતી અને આ અરજીને શહેરી-કેન્દ્રિત અભિગમનું પ્રતિબિંબ ગણાવી હતી. સીજેઆઈએ કહ્યું હતું કે આ એક શહેરી-કેન્દ્રિત અભિગમ છે.

ગ્રામીણ વિસ્તારોના લોકો ભૂગર્ભજળ પીવે છે અને તેમને કંઈ થતું નથી. શું તમને લાગે છે કે આપણે યુએસએ, જાપાન, યુરોપિયન યુનિયનની માર્ગદર્શિકાનો અમલ કરી શકીશું? ગરીબોના હકનો મુદ્દો કોઇ ઉઠાવતું નથી. આ અમીરનો અર્બન ફોબિયા છે.

સર્વાેચ્ચ અદાલતની આવી આકરી ટીપ્પણી પછી અરજદારના વકીલે અરજી પાછી ખેંચી લેવાની પરવાનગી માગી હતી.સુનાવણીના અંતમાં સીજેઆઈ સલાહ આપી હતી કે ગાંધીજી ભારત પર આવ્યાં ત્યારે તેમણે દેશના તમામ વિસ્તારોનો પ્રવાસ કર્યાે હતો. અરજદારને ગરીબ વિસ્તારોમાં મુસાફરી કરવા કહો, જ્યાં પાણી મેળવવામાં પણ મુશ્કેલી પડે છે, પછી તે સમજી શકશે કે ભારત શું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.